બારડોલી : બારડોલીના નંદીડા ખાતે ગુરુવારે ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગમાં વેપારી યુવકનું મોત થયું હતું. જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મૃતકના મિત્રે જ મોતની સોપારી આપી હતી. મૃતક નિખિલે મિત્ર કેતનની પત્ની સાથે લગ્ન કરતા ખૂની ખેલ ખેલાયો હતો. મળતી માહિતી અનુસાર મૃતક નિખિલ તેમજ મિત્ર કેતન આજુબાજુમાં દુકાન ધરાવતા હતા. કેતનની પત્નીને નિખિલ સાથે પ્રેમ થઈ જતા કેતન સાથે છૂટાછેડા લીધા હતા. કેતને બારડોલીના રીઢા ગુનેગારને મોતની સોપારી આપી હતી. પોલીસે આ મામલે રૂપિયા 2 લાખની સોપારી આપનાર મિત્ર કેતન ગોંડલિયા સહિત અન્ય ત્રણ આરોપીઓ હિતેશ વાઘરી, બાદલ રાઠોડ અને વિશાલની ધરપકડ કરી છે. જોકે સાગર વાંસફોડીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
બારડોલી નાંદીડા ચોકડી પાસે ગુરુવારે ભરબપોરના વેપારી યુવક પર 3 અજાણ્યા યુવકો મોટરસાયકલ પર આવી યુવક પર ફાયરિંગ કરી ભાગી ગયા હતા. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ તેનો જીવ બચી નહોતો શક્યો. છ મહિના પહેલા પણ આ જ યુવક પર હુમલો થયો હતો. બારડોલીના પાઠક ફળિયામાં રહેતા નિખિલ સુજીતભાઈ પ્રજાપતિની નાંદિડા ચોકડી પર ખાતે શ્રીરામ ગ્લાસ નામની દુકાન આવેલ છે. જે એલ્યુમિનિયમ સેક્શન સહિતનું કામ કરે છે. ગુરુવારે બપોરના 3 વાગ્યે દુકાનથી પોતાની મોટરસાયકલ નંબર જીજે/19/એઆર/૫૯૭૨ પર બેસી હજુ મુખ્ય રસ્તા પર આવ્યો હતો, તે સમયે અચાનક સામેથી 3 અજાણ્યા યુવકો મોટર સાયકલ પર આવી નિખિલ પ્રજાપતિ પર પિસ્તોલથી ફાયરીંગ કરી ભાગી ગયા હતા, છાતીમાં ગોળી મારી દીધી હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે સરદાર હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
મૃતક નિખિલે બારડોલીના જ કેતન નામના યુવક સાથે મિત્રતા કરી હતી. તેમજ તેના ઘરે અવર-જવર પણ કરતો હતો. જેને કારણે કેતનની પત્ની સાથે તેને આંખ મળી ગઈ હતી. પ્રેમસંબંધ આગળ વધતા યુવતીએ પોતાના પતિએ એવા કેતન પાસેથી છૂટાછેડા માંગ્યા હતા. તેમજ છૂટાછેડા પછી તેમણે નિખિલ પ્રજાપતિ સાથે મેરેજ કરી લીધા હતા. જે બાબતે કેતનનું મન દુઃખ હોય નીખીલની હત્યા કરવા ખાતર રૂપિયા 2 લાખની વિશાલભાઈ રમેશભાઈ રાઠોડ નાને સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં જણવા મળ્યું હતું. મામલે પોલીસે કેતનભાઈ ભીખાભાઈ ગોંડલિયા, હિતેશભાઈ વિનોદભાઈ વાઘરી, બાદલ કિશોરભાઈ રણછોડભાઈ રાઠોડ અને વિશાલભાઈ રમેશભાઈ રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે સાગરભાઈ નટવરભાઈ વાંસફોડીયા હજુ પણ પોલીસ પકડથી દુર હોવાનું જાણવા મળ્યું છે જેને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે કોની-કોની ધરપકડ કરી ??
- મિત્ર કેતનભાઈ ભીખાભાઈ ગોંડલિયા રહે, સપ્તસૃંગી સોસાયટી-બારડોલી
- હિતેશભાઈ વિનોદભાઈ વાઘરી રહે, સગુન કોમ્પલેક્ષ તા.પલસાણા-સુરત
- બાદલ કિશોરભાઈ રણછોડભાઈ રાઠોડ રહે, અંત્રોલી,ભૂરી ફળિયું તા.પલસાણા-સુરત
- વિશાલભાઈ રમેશભાઈ રાઠોડ રહે, રહે,ધામળોદ,વૃંદાવન સોસાયટી બારડોલી