સોમવારે 22મી ફેબ્રુઆરીથી મંગળ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરનાર છે. અત્યાર સુધી તે મેષમાં હતો. હવે તેમાંથી નીકળીને તે વૃષભ રાશિમાં પ્રવેશ કરીને 14 એપ્રિલ 2021 સુધી ત્યાં જ રહેશે. આમ તો મંગળ દેવ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મકર રાશિમાં તેને ઉચ્ચ અને કર્કમાં નીચ મનાય છે. વૃષભમાં મંગળ ગ્રહનો પ્રવેશ અને રોકાણ અન્ય કેટલીક રાશીના જાતકો માટે પણ અસરકર્તા રહેશે. જેમાં મેષ, વૃષભ, મિથુન, તુલા, તથા કુંભને મુખ્ય અસર થવાનો અંદેશો જ્યોતિષાચાર્યો વ્યક્ત કરી રહ્યા છે. મેષ રાશીના જાતકોને આ સમયમાં પારિવારિક તકરાર અને માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. પડોશીઓ સાથેના સંબંધોને બગડે નહીં તેવું ખાસ ધ્યાન રાખવું જરૃરી છે.
આ સાથે જ જીદ અને વાણી પર નિયંત્રણ આવશ્યક છે. પૈસા બચાવવામાં મુશ્કેલી પડી શકે છે. મિથુન રાશીના જાતકોએ 22મી ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધીના સમયમાં કોઈપણ નિર્ણય કરતી વખતે સાવચેતી રાખવી હિતાવહ છે. આ સમયમાં ભાગમદોડ અને તેને અનેક અવરોધોનો સામનો કરવો પડે તેવા સંજોગો સર્જાશે. મિત્રો અથવા સંબંધીઓ તરફથી અપ્રિય સમાચાર મળશે. અન્ય કોઈને ઉછીના આપેલા પૈસા પરત મળશે નહીં. દરેક ક્રિયા અને નિર્ણય ખૂબ કાળજીપૂર્વક કરવાની જરૂર છે. વૃષભ રાશીના જાતકોને અનેક પડકારોનો સામનો કરવા પડશે. આરોગ્ય અને તમારા સન્માન અને સામાજિક ગૌરવ પ્રત્યે તમારે દરેક ક્ષણે સચેત રહેવું પડશે. વ્યવસાયની દ્રષ્ટિએ ઘણા ઉતાર-ચઢાવ આવશે. તમારી મહત્વાકાંક્ષા વધશે.
ક્રોધાભાવ વધશે. ઝઘડા કરનારા વિવાદોથી દૂર રહો અને કોર્ટના કેસોની બહાર પણ સમાધાન લાવવું હિતાવહ છે. એજ રીતે તુલા રાશિ માટે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ શક્ય બનશે. તમારા પાછલા જન્મના ફળ પણ મંગળની ગોચર અસરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવા યોગ છે. સ્વાસ્થ્યની કાળજી જરૃરી બનશે. કાળજીપૂર્વક મુસાફરી કરો અને ઝઘડાઓથી દૂર રહો. કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો અપ્રિય ઘટના આપી જશે. પારિવારિક તકરાર અને માનસિક અશાંતિ જેવી સમસ્યાનો સામનો આ રાશીના જાતકોને કરવો પડશે. સ્થાવર મિલકતને લગતી બાબતોમાં ચોકસાઈ નહીં રખાશે તો તમે ફસાઇ જશો. મુસાફરી દરમિયાન કાળજી રાખવી આવશ્યક છે. જીદ અને વાણીને નિયંત્રણમાં રાખીને કામ કરવું લાભદાયી બનશે. વાહન ખરીદીનો યોગ છે. કાર્યક્ષેત્રમાં પણ કાવતરાનો ભોગ બનવું પડી શકે છે.