ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના મહામારીને કારણે આર્થિક ક્ષેત્રે મંદી જેવો માહોલ છે. રોજગારીની લાખો તક છીનવાઈ ચુકી છે. આવા સમયે વડોદરાનાચાર યુવાનોએ સ્ટાર્ટપ ઇન્ડિયા’ સ્કીમ હેઠળ ડિઝલની હોમ ડિલિવરી આપતી ‘ફ્યૂલી સર્વિસ’ શરૂ કરી રોજગારી મેળવવા માટે નવો રસ્તો દેશના લોકોને બતાવ્યો છે. ફ્યૂલી સર્વિસ પ્રા.લિ. દ્વારા વડોદરા શહેર સહિત ચાર જિલ્લામાં માર્કેટ ભાવથી જ ડિઝલની હોમ ડિલિવરી આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
પૂર્વમ્ પટેલ, અલય પટેલ, વ્યોમ અમીન અને સપન પટેલ નામના આ યુવાનોની ઉંમર 25થી 33 વર્ષની છે. તેઓને રોજગારી મેળવવા માટે ડિઝલની હોમ ડિલિવરી કરવાનો વિચાર સ્ફૂર્યો હતો. ત્યારબાદ આ યુવાનોએ સ્ટાર્ટપ ઇન્ડિયા રજિસ્ટર્ડ કંપની હેઠળ ફ્યૂલી સર્વિસિસ પ્રા.લિ. નામનો ધંધઓ શરુ કર્યો હતો. આ માટે તેઓએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(એચ.પી.સી.એલ)નો સંપર્ક કર્યો હતો. હેડ પૂર્વમ્ પટેલ આ વિશે કહે છે કે, ડિઝલની હોમ ડિલિવરીના બિઝનેશ માટે 1000 લિટર, 4000 લિટર અને 6000 લિટરની સંગ્રહ ક્ષમતાવાળી 3 ટેન્કર ડિન્સપેન્સર યુનિટ સાથે તૈયાર કરાઈ છે.
ત્રણે ટેન્કર તમામ ફેસિલિટી ધરાવે છે. જેમાં પેટ્રોલ પંપ જેવું ડિસ્પેન્સર યુનિટ હોય છે. જેનાથી ગ્રાહકને ડિઝલની ડિલિવરી કરતાં આંકડા જોવા મળે છે. આ ઉપરાંત ડિઝલ ખરીદીની રિસિપ્ટ અને ઇનવોઇસ પણ ઉપલબ્ધ થાય છે. ત્રણે બાઉઝર્સમાં સિક્યુરિટી ફીચર્સ સાથેના કેમેરા લગાડાયા છે. ડિઝલનો જથ્થો અને ગુણવત્તા માપવા માટેની મશીનરી પણ મૂકવામાં અાવી છે. ગ્રાહકે ડીઝલ માટે ફોન નંબર 9909991677 ઉપર કોલ કરવાનો રહે છે. તેથી ગ્રાહકના સરનામે ટેન્કર રવાના કરી દેવામાં આવે છે. જયાં માર્કેટ ભાવથી જ ડિઝલની ડિલિવરી કરવામાં આવે છે. જો કે, આ માટે ગ્રાહકનો ઓર્ડર મિનિમમ 50 લિટર ડિઝલનો હોવો જરૂરી છે.
વડોદરામાં હોસ્પિટલ્સ, હોટેલ્સ અને મોલ્સ ઉપરાંત કંપનીઓ તેમજ વિવિધ એકમોને આ ખાસ સુવિધામાં હાલ રસ પડ્યો છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કંપનીઓ, ધંધાકીય એકમો અને ખેડૂતોને પણ ડિઝલની ડિલિવરી કરી રહી છે. જિલ્લામાં ડિઝલની કિંમત ઉપરાંત કિલોમીટર અને ટોલટેક્સ સાથે ઓપરેશનલ કોસ્ટ વસૂલ કરાય છે.