વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડા તાલુકામાં ઘણા હોનહાર વ્યક્તિઓ મળી આવે છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના તારીખ 01/09/2021 ના જાહેરનામામાં જાહેર થયેલ વિગતો મુજબ તાલુકાના ગજેન્દ્રકુમાર અરવિંદભાઈ પટેલે ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા પાસ થતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી છે. પોતાની સફળતા વિશે માહિતી આપતા ગજેન્દ્ર કુમારે જણાવ્યું કે મારું શરૂઆતનું પ્રારંભિક પ્રાથમિક શિક્ષણ ૧ થી ૬ ધોરણ અંભેટી બાંગિયા પ્રાથમિક શાળામાં થયું, સાતમું ધોરણ અંભેટી કાપરીયા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યુ,૮ થી ૧૨ ગોંડલ ખાતે અભ્યાસ (૧૦ માં ૯૨.૪૦, ૧૨ સાયન્સ માં ૮૪%), ઇલેક્ટ્રિકલ એન્જીનીયર્રીગ SVNIT સૂરત ખાતેથી તેમણે પૂર્ણ કર્યુ હતું.
પોતાની અત્યાર સુધીની સફર વિશે જણાવતા ગજેન્દ્ર કુમારે કહ્યું કે, અત્યાર સુધીની સફર એ માત્ર સમતલ રોડ નથી પરંતુ ઘણા ખાડા વાળી પણ છે. આ સ્થિતિમાં પરિવારે આર્થિક અને ભાવનાત્મક સહકાર પૂરો પાડ્યો છે. મારા નાના નાની થી લઈને મમ્મી પપ્પા અને ભાઈ બહેનો તથા મિત્રો એ ખુબ જ સહકાર આપ્યો છે. તેમાં પણ વિશેષ કરીને મોટા ભાઈ રીપલે ખુબ જ સહકાર આપ્યો છે. જેની સફળતા નું પરિણામસર હું આજે નાયબ કલેક્ટર સુધી પહોંચી શક્યો છું.
યુવાનોને સંદેશ આપતાં ગજેન્દ્રકુમાર કહે છે કે, ક્ષમતા એ વ્યક્તિ જાતે નિશ્ચિત કરે છે આથી વ્યક્તિ એ ક્ષમતાનો ગુલામ નથી પરંતુ ક્ષમતા એ વ્યક્તિની ગુલામ છે. મહેનત ચાલુ રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો. મંજિલ તમારી રાહ જોઈ જ રહી છે. ગજેન્દ્ર કુમારના પિતા અરવિંદભાઈ પટેલ પ્રાથમિક શાળામાં એક નિવૃત શિક્ષક છે. ગજેન્દ્રકુમારે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની અંભેટી બાંગીયા ફળીયા સરકારી પ્રાથમિક શાળામા લીધું હતું. મધ્યમ વર્ગીય પરિવાર માથી આવતા ગજેન્દ્રકુમાર પટેલ આદિવાસી ધોડીયા સમાજના છે. સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારુપ છે.