નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડમાં સોમવારે એક ખેતરમાં જૂના તારને કારણે સ્પાર્ક થયો હતો. આ સ્પાર્કના લીધે છ વીઘામાં વાવેલી શેરડીનો પાક બળી જતાં ખેડૂતને મોટું નુકસાન થયું છે. આ ઘટનાને લઈને નવસારી જિલ્લાના કિસાન કોંગ્રેસ દ્વારા જીઈબી વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે, અને તો વળતર નહીં ચૂકવાય તો કાયદાકીય લડત લડવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.
અમલસાડ વિસ્તારમાં વર્ષો જૂના વીજતારોમાં સ્પાર્ક થવાને કારણે શેરડીના ઉભા પાકો બળી જવાની ઘટના સતત વધી રહી છે. જીઈબી કોઈપણ ભોગે જૂના તારને ખસેડી નવા તાર નાંખવામાં આળસ કરતા સ્પાર્ક થવાની ઘટના વારંવાર બનતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ગણદેવી તાલુકાના કછોલી ગામમાં ભીખુભાઈ ડાહ્યાભાઈ નાયક, ઠાકોરભાઈ ડાહ્યાભાઈ નાયકની ગણદેવી તાલુકાના અમલસાડ કોળીવાડમાં 6 વીઘા જમીનમાં શેરડીનુ વાવેતર કરવામાં આવ્યું હતું. તૈયાર પાકની કાપણીની પણ તૈયારી ચાલી રહી હતી પરંતુ 29મી નવેમ્બર સોમવારે બપોરે ખેતરમાંથી પસાર થતી જૂની વીજ લાઈનમાં તારમાં અચાનક સ્પાર્ક થતા શેરડીના ખેતરમા આગ લાગી હતી.
નવસારી ફાયરબ્રિગેડ અને જીઈબીને પણ આ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ બાબતે ખેડૂત દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ઘટનાસ્થળે જિલ્લા કિસાન કોંગ્રેસ કો. ઓર્ડિનેટર મહેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટર, આનંદ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મંત્રી. શૈલેષભાઈ પટેલ, ગણદેવી તાલુકા કિસાન કોંગ્રેસ ચેરમેન કિરણભાઈ પટેલ, અશ્વિનભાઈ નાયકા સહિતના આગેવાનો અસરગ્રસ્ત ખેતરની સ્થળ મુલાકાત કરી વળતર મળે તેવી માંગણી કરી હતી.