વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ધીમે ધીમે અંબાણી કરતા આગળ વધી રહ્યા છે. હાલમાં ગૌતમ અદાણી પાસે ચાર લક્ઝુરિયસ એરક્રાફ્ટ હતા તેમાં વધુ એક અત્યાધુનિક લક્ઝૂરિયસ એરક્રાફ્ટનો વધારો થયો છે.
બુધવારે સાંજે આ નવું એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એરપોર્ટ પર લેન્ડ થતાં જ એરક્રાફ્ટનું વોટર કેનનથી પાણીનો છંટકાવ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ફોર્બ્સની યાદી મુજબ ગૌતમ અદાણીની સંપત્તિમાં 4.9 અબજ ડોલર એટલે કે આશરે રુ. 36000 કરોડથી પણ વધારાનો વધારો થયો છે. 2014થી ગણતરી કરવામાં આવે તો વિતેલા આઠ વર્ષમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં 267 ટકા અને ગૌતમ અદાણીની સંપત્તિ 432 ટકાનો વધારો થયો છે.
અદાણી ગ્રુપે તાજેતરમાં ખરીદેલું એરક્રાફ્ટ 17 સીટ ધરાવતું ગ્લોબલ 6500 બોમ્બાર્ડિયર એરક્રાફ્ટ છે, જેને હાલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે પાર્ક કરી દેવામાં આવ્યું છે. અદાણી ગ્રુપનું આ પાંચમું એરક્રાફ્ટમાં રોલ્સ રોયસ પર્લ એન્જિન ધરાવે છે. જે 51000 ફીટ સુધીની ઊંચાઈએ પ્લેનને ઉડાવવા માટે સક્ષમ છે. આ સાથે પ્લેનમાં હાઈ સ્પીડ સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો આ પ્લેન અદાણી ગ્રુપે રુ. 400 કરોડની કિંમતે ખરીદ્યું હોઈ શકે છે.
ગૌતમ અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રૂપની એનર્જી સેક્ટરની કંપનીઓ અને તેમાં પણ રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીનનો મહત્વનો ફાળો છે.