નવસારી જિલ્લાના અમલસાડની પશ્ચિમ તરફ બંધ રેલવે ફાટક નંબર-111 પાસે મહિલા ચાલક પોતાની એક્ટિવા પર ફાટક ખોલવાની રાહ જોઈને બેઠી હતી. દરમિયાન અમલસાડ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ભરી ગણદેવી તરફ જતા આઇસર ટેમ્પોએ મહિલા ચાલકને અડફેટે લઈ ઘસડી જઈ ફાટક તોડી નાખી હતી. જો કે સદનસીબે મહિલા ચાલકનો બચાવ થયો હતો. ફાટક પરના ગેટમેને સમયસૂચકતા વાપરી અજમેર-બાંદ્રા ટ્રેન ફાટક પાસેથી પસાર થાય તે પહેલા ઝંડી બતાવી દેતા ટ્રેન થોડે દુર થંભી ગઈ હતી.
ગેટમેન વિજય સોલંકીએ આપેલી માહિતી અનુસાર અપલાઇન અજમેર-બાંદ્રા ટ્રેન નંબર-12996 બુધવારે સવારે 10:44 કલાકે મુંબઈ તરફ ટ્રેન પાસ થઈ રહી હોવાથી ગેટમેને ફાટક બંધ કરી હતી. ફાટક ખોલવાની રાહ જોઈને હિરલ ધર્મેન્દ્ર ટંડેલ નામની મહિલા ચાલક ઉભી રહી હતી. આ સમય દરમિયાન જ અમલસાડ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ભરી ગણદેવી તરફ જતા આઇસર ટેમ્પોએનએક્ટીવાને અડફેટે લઈ ફાટક તોડી ટ્રેક તરફ ઘૂસી ગયો હતો.
આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક હિરલ ટંડેલનો ચમત્કારિક બચાવ થયો હતો. ગેટમેન વિજય સોલંકીએ કંઈક અજુગતુ બને તે પહેલા સમયસૂચકતા વાપરી અજમેર-બાંદ્રા ટ્રેન ફાટક પાસેથી પસાર થાય તે પહેલા લાલ ઝંડી બતાવતા ટ્રેન નજીકના અંતરે થંભી ગઇ હતી. વિજય સોલંકીની આ પ્રશંસનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી. ટેમ્પો ચાલક હિતેશ પટેલએ ટેમ્પાનો એર પાઇપ ફાટી જતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું.