દેશમાં બિયારણ અને ખાતરના ભાવોમાં અસહ્ય વધારા બાદ ખેડૂતોની મુશ્કેલી વધી છે. અત્યાર સુધી પણ મોંઘાદાટ બિયારણ -ખાતર તથા મજૂરોનો અભાવ જેવી સમસ્યા ખેડૂતોને નડી રહી હતી. હવે સરકારે ખાતરના ભાવ વધારતા ખેડૂતો માટે નફાધોરણ ઘટવાની શકયતા છે. દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખેડૂતોએ આ સમસ્યામાંથી થોડો છુટકારો મળે તેવો ઉપાય શોધી કાઢ્યો છે. અહીના ખેડૂતો ખર્ચ વગર ખેતી કરી શકાય અને નફો પણ વધારે મળે તેવી ખેતી કરવા તરફ આગળ વધ્યા છે. સિહોર તાલુકાના ટાણા પંથકના ખેડૂતો મલબારી લીમડાની ખેતી કરી રહ્યા છે અને તેના જ કારણે ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઇ રહ્યો છે.
મળતી વિગતો મુજબ ટાણા પંથકના બે ખેડૂતોએ પોતાની 10 વીઘા જમીનમાં મલબારી લીમડાનું વાવેતર કર્યું છે. આ પૈકી પ્રવીણ ગોધાણી નામના ખેડૂતે તેમના 3.5 વીઘાના ખેતરમાં અને ખેડૂત અશોક ગોધાણીએ તેના 7 વીઘાના ખેતરમાં મલબારી લીમડાનું વાવેતર કર્યું છે. ખેડૂત પ્રવીણ ગોધાણી અને અશોક ગોધાણી કહે છે કે, મલબારી લીમડાનું વાવેતર કરવા પાછળનું ખાસ કારણ છે. અત્યાર સુધી તેઓ પરંપરાગત ખેતી કરતા હતા.
પરંતુ આ ખેતીમાં વાવણીથી લઈને ઉપજ સુધીની પ્રક્રિયામાં હવે મોટો ખર્ચ થઈ રહ્યો છે. બીજી તરફ ખાતર બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે. વળી, આ ખર્ચ અને મહેનત કર્યા પછી પણ જો કોઈ કુદરતી આફત આવે તો વળતર મેળવવામાં નવનેજા પાણી ઉતરી જાય છે. ખેતીમાં દિન પ્રતિદિન વધતી જતી મુશ્કેલીઓ જોઈને તેઓએ ઉકેલ શોધવા વિચાર શરુ કર્યો હતો. જેમાં ખર્ચ વગરની ખેતી થઈ શકે તે દીશામાં શોધ આગળ વધારી હતી. આખરે તે બંનેને લીમડાનું વાવેતર ઉત્તમ લાગ્યું અને તે પ્રમાણે ખેતી શરુ કરી દીધી છે.
ખેડૂત અશોક ગોધાણીના મતે ભારતની બજારોમાં મલબારી લીમડાના લાકડાની ખૂબ માગ છે. 8થી 10 વર્ષ બાદ દર વર્ષે પ્રતિ એકરે 12થી 15 લાખ રૂપિયાની આવક મેળવી શકાય છે. 8 વર્ષ પછી આ લાકડાનો ભાવ 6 હજાર રૂપિયા પ્રતિ ટન ગણવામાં આવે છે. આ લીમડાનું લાકડું પ્લાયવુડ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ભાવનગર જિલ્લાના અંદાજે 100 કરતાં વધુ ખેડૂતોએ મલબાર લીમડાનું વાવેતર કર્યું છે. ભાવનગરના ખેડૂતો જે મલબારી લીમડાના વેવાતર અને તેની દેખરેખ પાછળ ખૂબ જ નજીવો ખર્ચ થાય છે. મલબારી લીમડો સામાન્ય લીમડા કરતા થોડો અલગ છે. આ લીમડાનું વાવેતર સરળતાથી થાય છે અને તે ઓછા પાણીમાં ઉછરે છે. માર્ચ અને એપ્રિલ મહિનો લીમડાના બીજના વાવેતરનો શ્રેષ્ઠ સમય છે. મલબારી લીમડાના વાવેતરના 7થી 8 વર્ષ પછી તેનું લાકડું વેચી શકાય છે. આ લાકડાથી લાખો રૂપિયાની કમાણી પણ કરી શકાય છે.