ભારત-ચીન સરહદને જોડનારા રોડ ઉપર સુમના 2માં ગ્લેશિયર તૂટી ગયાની ઘટના ઘટી હોવાના અહેવાલો છે. આ સાથે જ રૈણીમાં ઋષિગંગા નદીની સપાટીમાં વધારો થયો છે. સુમના વિસ્તારમાં બે દિવસથી થઈ રહેલી બરફ વર્ષાને કારણે ગ્લેશિયર તૂટી પડ્યાનું મનાય રહ્યું છે. હાલમાં આ વિસ્તારના માર્ગ અને સંદેશા વ્યવહારની તમામ સુવિધા ખોટકાઈ જવાથી નુકસાન કે અન્ય કોઈ ઘટનાની વધુ જાણકારી મળી રહી નથી. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો શરુ કરાયા છે. આ અગાઉ 7 ફેબ્રુઆરીના રોજ ચમોલીમાં ગ્લેશિયર તૂટી પડ્યા બાદ 205 લોકો ગુમ થઈ ગયા હતા, આ ઘટનામાં 79 લોકોના મોત થયા હતા. સરકારના અનેક વિકાસ કાર્યો પણ આ હોનારતની ઝપટમાં આવી ગયા હતા. તેને કારણે કરોડો રુપિયાનું નુકસાન થયું હતુ.
હાલમાં સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ ભારત-ચીન સરહદને જોડનારા રોડ ઉપર સુમના 2 વિસ્તારમાં અનેક જગ્યાએ બરફ વર્ષાના કારણે રસ્તા બંધ થઈ ગયા છે. આ વિસ્તારમાં મજૂર રોડ કટિંગના કાર્યમાં વ્યસ્ત રહે છે. તેમનો સંપર્ક થઈ શક્યો નથી. બીઆરઓના અધિકારીઓ સતત આ શ્રમજીવીઓનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ ઘટનાને પગલે NDRFને પણ કાર્ય માટે રવાના કરી દેવાઈ છે. એનડીઆરએફના સૂત્રોના જણાવ્યા મુજબ ગ્લેશિયર તૂટ્યા બાદ રૈણી ખાતે આવેલી ઋષિગંગા નદીમાં પાણીની સપાટીમાં બેહદ વધારો થયો છે. જેને કારણે તે વિસ્તારમાં પુર આવવાની સંભાવના વધી ગઈ છે. નદીનું જળ સ્તર 2 ફૂટ સુધી વધ્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. જો કે, અત્યાર સુધી જાન-માલની હાનીના કોઈ સત્તાવાર સમાચાર મળ્યા નથી. એજન્સીઓ સતત ઘટનાસ્થળ પર પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. અહીં છેલ્લા કેટલાક સમયથી ભારે બરફ વર્ષા થવા સાથે વરસાદ થઈ પડી રહ્યો હતો. ગ્લેશિયર તૂટવા પાછળ આ પરિબાળ પણ જવાબદાર હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.