દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલ દિલ્હીના બાલા સાહિબ ગુરૂદ્વારામાં શરૂ થઇ છે. દિલ્હી શીખ ગુરૂદ્વારા વ્યવસ્થાપક કમિટી દ્વારા આ ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ડાયાલિસીસ વિનામૂલ્યે કરવામાં આવશે. દિલ્હીના સરાઇ કાલે ખાં વિસ્તારમાં આવેલું આ ડાયાલિસીસ સેન્ટર દેશનું સૌથી મોટું સેન્ટર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. હાલમાં આ સેન્ટરમાં 101 બેડની સુવિધા છે. મતલબ કે એક સાથે અહીં 101 ડાયાલિસીસ થઇ શકે એમ છે. જો કે એવો પણ નિર્ધાર કરવામાં આવ્યો છે કે અહીં એક જ વર્ષમાં બેડ 101થી વધીને 1000 કરવામાં આવશે.
દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના ચેરમેન મનજીંદર સિંહ સિસ્સાએ જણાવ્યું હતું કે આ સેન્ટરમાં કોઇ પણ વ્યક્તિનું ડાયાલિસીસ મફતમાં કરી આપવામાં આવશે. દવા પણ મફત આપવામાં આવશે અને એ તમામ સારવાર માટે તમારે કોઇ આધારકાર્ડ કે રાશનકાર્ડ જેવા દસ્તાવેજો પણ દેખાડવાની જરૂર નથી. ખરેખર તો આ હોસ્પિટલમાં ફી લેવા માટે કોઇ કાઉન્ટર રાખવામાં જ આવ્યું નથી. 6 મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલી આ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક એટલે કે ચોવીસે કલાક ચાલુ જ રહેશે.
અહીં એક શિફ્ટમાં 8 ડોક્ટરો સેવા આપશે. ડાયાલિસીસના સમયની ગણતરી કરવામાં આવે તો એક દિવસમાં અહીં 500 દર્દીઓનું ડાયાલિસીસ થઇ શકશે. આ સેન્ટર દેશનું સૌથી મોટું ડાયાલિસીસ સેન્ટર છે, એ ઉપરાંત આ સેન્ટર દેશનું પહેલું હાઇટેક ડાયાલિસીસ સેન્ટર પણ છે. અહીં સારવાર માટે દર્દીએ પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એ બાદ તેમને સારવાર માટેનો સમય આપવામાં આવશે, એ મુજબ દર્દીએ આવવાનું રહેશે. અહીં તમામ ઉપકરણો પણ હાઇટેક છે. 50 ઇલેક્ટ્રીક ચેર છે. ડાયાલિસીસ માટેના તમામ સાધનો પણ જર્મનીથી મંગાવવામાં આવ્યા છે. દર્દીની સારવાર ઉપરાંત દર્દીને સારવાર મુજબનો આહાર પણ આપવામાં આવશે. જમવા તથા જ્યુસ માટે સેન્ટરમાં જ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આહાર ગુરૂદ્વારાના લંગરમાંથી આપવામાં આવશે.
યાદ રહે કે આજકાલ ડાયાલિસીસ પણ ખૂબ મોંઘુ થઇ ગયું છે. એમાંય જ્યારે અઠવાડિયામાં બે કે ત્રણ વખત ડાયાલિસીસ કરાવવાની જરૂર પડે ત્યારે એ વધુ ખર્ચાળ થઇ જાય છે. દિલ્હી જેવા મહાનગરમાં તો એ ખૂબ જ ખર્ચાળ હોય છે, ત્યારે આ મફત ડાયાલિસીસ સેવા અનેક દર્દીઓ માટે રાહતરૂપ થઇ રહે છે. શીખોનું આ દેશની સેવામાં અનોખું પ્રદાન બની રહેશે. યાદ રહે કે દેશની સુરક્ષામાં શીખોનું પ્રદાન મૂલ્યવાન રહ્યું છે. સાથે સાથે ગુરૂદ્વારામાં ચાલતા લંગર પણ અનેક લોકોના પેટની આગ બુઝાવતા રહે છે, એ સેવાકાર્યની પણ નોંધ લેવી પડે.