ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂપિયા ૬ કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે, કોઇપણ ગામના તળાવનું પાણી ઉભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય. પરંતુ આઝાદી પછી કોઇએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા આવરા કે માર્ગની સફાઇની ચિંતા કરી નથી. જેની ફલશ્રૃતિ રૂપે તળાવો સુકાવવા લાગ્યા, તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યાં, તળાવમાં ગંદકી થવા લાગી અને પાણીના તળ નીચે જવા લાગ્યા છે. આજે લોકોને ફલોરાઇડ વાળું પાણી પીવાના દિવસો આવ્યા છે. પરંતુ ગુજરાતમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા કેનાલની સુચારું વ્યવસ્થા ગોઠવી છે. રાજયમાં ઘીમે ઘીમે પાણીના તળ ઉંચા આવી રહ્યા છે. તળાવનું નવીનીકરણનું કામ દેખાવમાં નાનું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આપણી આવનારી પેઢીઓ પાણીથી, પાણી દ્વારા અને પાણી થકી પોતાનું સ્વાસ્થ સાચવી શકશે. ફલોરાઇડ વાળું પાણી શરીરમાં ઘીમા ઝેરી જેવું છે. પાણીના તળ ઉંચા લાવવા તથા જમીનના પાણીમાં ફલોરાઇડની માત્રા ઘટાડવાના ઉમદા આશયથી ગાંઘીનગરના આઠમા તળાવના નવીનકરણના કામનો આરંભ કરવામાં આવ્યો છે.