મોંઘવારી, ઈંધણમાં ભાવ વધારો અને કાળુ નાણુ જેવા મુદ્દાઓ ઉછાળીને 2014ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભાજપ સરકાર સતત 7 વર્ષથી આ મહત્વની સમસ્યા ઉકેલવામાં નાકામ રહી છે. મોદીએ પ્રચાર સભા દરમિયાન કરેલા દરેક આ વાયદાઓ પોકળ સાબિત થઈ ગયા છે. આજે ભારતમાં ઈંધણના ભાવ તેનો સૌથી મોટો પુરાવો છે. 2020માં આંતર રાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના બેરલના ભાવ અત્યંત નીચા રહ્યા હોવા છતાં મોદી સરકારે ઈંધણના ભાવો ઘટાડ્યા ન હતા. યુપીએ સરકાર વખતે છાશવારે મોરચો માંડનાર મોદી આણી મંડળી અને ભાજપ સત્તામાં આવતા જ તેનું વલણ પણ યુપીએ સરકાર જેવું જ થઈ ગયાનું આમજનતાને અનુભવાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં પણ સતત ૯મા દિવસે સરકારી ઓઇલ વિતરણ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૫-૨૫ પૈસાનો વધારો ઝીંકાયો હતો. આ સાથે જ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ૨૬ પૈસાના વધારા સાથે સાદા પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦.૧૩ પ્રતિ લિટરે પહોંચી ગઈ હતી. જયારે ડીઝલની કિંમતમાં ૨૭ પૈસા વધતા તે ૯૨.૧૩ રૃપિયા પ્રતિ લિટરે વેચાય રહ્યું છે.
માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂપિયા ૧૯.૯૫ અને ડીઝલમાં રૂપિયા ૧૭.૬૬ પ્રતિ લિટરનો ભાવવધારો થયો છે. શ્રીગંગાનગરમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત ૧૦૨.૯૧ રૂપિયા પ્રતિ લિટર અને પ્રીમિયમ ડીઝલની કિંમત ૯૫.૭૯ રૂપિયા પ્રતિ લિટર રહી છે. મધ્યપ્રદેશના અનુપ્પુર ખાતે સાદુ પેટ્રોલ રૂ. ૯૯.૯૦ અને ડીઝલ રૂ.૯૦.૩૫ પ્રતિ લિટરના ભાવે વેચાય રહ્યુ છે. મહારાષ્ટ્રના પરભણીમાં સાદા પેટ્રોલની કિંમત રૂ. ૯૮.૧૦, મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત રૂ. ૯૭.૫૨, મુંબઇમાં રૂ. ૯૬.૦૦, રાજસ્થાનના જયપુરમાં રૂ. ૯૬.૦૧ પ્રતિ લિટર પર પહોંચી હતી. 2021ના ફેબ્રુઆરીના ૧૭ દિવસમાં દિલ્હીના ભાવ ૧૧ વખત વધ્યા છે. જેમાં પેટ્રોલમાં રૂપિયા ૩.૨૪ અને ડીઝલમાં ૩.૪૭ પ્રતિ લિટરનો વધારો થયો છે. જાન્યુઆરી મહિનામાં ઈંધણના ભાવમાં ૧૦ વખત વધારો કરાયો હતો. એટલે કે, પેટ્રોલ રૂપિયા ૨.૫૯ અને ડીઝલ રૂપિયા ૨.૬૧ પ્રતિ લિટર મોંઘાં થયાં હતાં. ૨૦૨૧માં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨૧ વાર કરાયેલા વધારામાં પેટ્રોલ રૂપિયા ૫.૮૩ અને ડીઝલ રૂપિયા ૬.૧૮ પ્રતિ લિટર મોંઘાં થયાં છે. ૯ દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા ૨.૫૯ અને ડીઝલમાં રૂપિયા ૨.૮૨ પ્રતિ લિટરનો ભાવ વધારો જનતાને માથે નંખાયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક શહેરોમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત પણ રૂપિયા ૧૦૦ પ્રતિ લિટરને આંબી જતા પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.