ભારતમાં મોદી સરકાર દ્વારા બનાવાયેલા નવા આઈટી નિયમોને કારણે મોટો વિવાદ થયો છે. સરકાર આ બાબતને દેશની સલામતી જેવા મુદ્દા સાથે જોડી રહી છે. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કંપનીઓ સરકારની પાબંધીઓને અભિવ્યક્તિની આઝાદી રોકવાનો પ્રયાસ ગણી રહી છે. હાલમાં ફેસબુક તથા ગુગલે સરકારના નિયમો આધીન કામ કરવાની તૈયારી બતાવી છે. જો કે, ટ્વિટરે હજી પણ મોદી સરકાર સામે તેની મક્કમતા જારી રાખતા વિવાદ યથાવત રહ્યો છે. ખેડૂત આંદોલન સમયે ટુલકીટના ઉપયોગ બાદ રાહુલ ગાંધીએ ભાજપી નેતાઓ સામે હાલમાં ટુલકિટ મામલે ફરિયાદ નોંધવાની માંગ કરતા જ મોદી સરકારમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, ખેડૂત આંદોલન સમયથી જ સરકારે આઈટીના નવા નિયમો ઘડીને સોશિયલ મીડિયા કંપનીઓને તેનો અમલ 24 મે 2021 સુધીમાં કરવા મહેતલ આપી હતી. જે મહેતલ હાલ પુરી થતાં સરકારે કંપનીઓને કાર્યવાહી માટે તૈયાર રહેવા ચીમકી આપી હતી. આ ચીમકી બાદ વોસ્ટએપે દિલ્હી હાઈકોર્ટમાં સરકારના નવા નિયમો સામે કેટલાક વાંધા રજૂ કરી અપીલ કરી છે. આ કેસની સુનાવણી હવે ટૂંક સમયમાં થશે. ગૂગલ, ફેસબુક અને Whatsapp સહિત ઘણી મોટી કંપનીઓએ આઇટી મંત્રાલય સાથે માહિતી શેર કરવા તૈયારી દાખવી છે. જ્યારે ટ્વિટરે સરકારને કોઇ પણ પ્રકારની માહિતી આપવા તૈયારી દર્શાવી નથી. જેને કારણે સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ વધુને વધુ વણસી રહ્યો છે.
ગૂગલ, ફેસબુક, વ્હોટ્સએપ, કુ, શેરચેટ, ટેલિગ્રામ અને લિંકડિન જેવા મોટા પ્લેટફોર્મ નવા નિયમો પાળવા તૈયાર થઈ રહ્યા છે. આ નિયમોમાં સોશિયલ મીડિયામાં વિવાદીત પોસ્ટ કે માહિતી મુકનાર તમામના ડેટા સરકારને આપવાની મુખ્ય જોગવાઈ છે. વળી, તે વાંધાજનક હોય તો તેને કંપનીઓએ હટાવવી પડશે. હવે સમગ્ર વાતમાં વિવાદ એ છે વાંધાજનક બાબતનો નિર્ણય સરકારના અધિકારી જ કરનાર છે. આવા સંજોગોમાં અભિવ્યક્તિની આઝાદી નહીં મળવાનો પ્રશ્ન ઉભો થશે. સરકારને નહીં ગમતી પોસ્ટને હટાવવા કંપનીઓ મજબૂર બનશે. વળી, અધિકારીઓને અપાયેલી સત્તા સામે કોર્ટમાં પડકાર આપવા વિશે કોઈ જોગવાઈ નથી. આવા મુદ્દાને ટ્વિટરે ગંભીર ગણ્યા છે. ટ્વિટરે આ જ કારણેસર હજી સુધી સરકારના નિયમો પાળવા માટે સહમતિ આપી નથી. આ પહેલા ગુરુવારે ટ્વિટરે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસની ટીમે તેમની ઓફિસમાં આવી દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર અને દિલ્હી પોલીસ બંનેએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. ટ્વિટરે ભાજપના ઘણા નેતાઓની ટ્વીટને મેનિપુલેટેડ કહ્યા છે. ટ્વિટર દ્વારા ગુંડાગીરીના આરોપો બાદ સરકારે કહ્યું હતું કે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ઇરાદાપૂર્વકની અવગણના દ્વારા ભારતનો કાયદો અને સિસ્ટમ નબળી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.