ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શુક્રવારે સાંજ શાંત થયા હતા. 21મીએ રાજ્યના મોટા 6 મહાનગરોમાં ચૂંટણી થવાની છે. આ શહેરોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે મુખ્ય ટક્કર થવાની છે. તેથી ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા શુક્રવારે સાંજ સુધી પ્રચાર કરાયો હતો. આ દરમિયાન દેશમાં ઈંધણના ભાવમાં બેફામ વધારાથી ભાજપને નુકસાન થઈ શકે તેમ હોવાથી મોડે મોડે શુક્રવારે પ્રદેશ ભાજપ પ્રમુખે આ વિશે ફોડ પાડ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વડોદરામાં સભાને સંબોધન કરતી વેળા લુલો બચાવ કર્યો હતો. વડોદરાના વોર્ડ નંબર 9માં યોજાયેલા હલ્દી કુમકુમ કાર્યક્રમમાં હાજરી આપીને પાટીલે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ તકે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, 25 વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. તેથી વિકાસલક્ષી કામો ઝડપભેર થયા છે. વડોદરા શહેર માટે 225 કરોડનો ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સરકાર દ્વારા 100 કરોડ મંજૂર કરવામાં આવે છે પરંતુ વડોદરા શહેરને ધ્યાનમાં રાખીને 225 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ અંગે સી.આર પાટીલે જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી, કારણ કે, પેટ્રોલ-ડીઝલના ભાવ આંતર રાષ્ટ્રીય બજાર સાથે સંકળાયેલા છે. હાલ ક્રુડની કિંમતો આંતરરાષ્ટ્રીય સ્તરે જ વધારો થયો છે. તેથી ભારતમાં પણ તેની અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ શહેરોમાં મોદીને નામે વોટ માંગી રહી છે. તેથી કોંગ્રેસ ખેડૂતોનો મુદ્દો અને ઈંધણના ભાવમાં વધારો અને મોંઘવારીનો મુદ્દો પણ સ્થાનિક પ્રશ્નો સાથે લોકો સમક્ષ મુકી રહી છે. જયારે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપે ગુજરાતમાં આરોગ્યની સેવાઓ અને શિક્ષણની સેવામાં લાલિયાવાડી ચલાવીનો આરોપ મુકી રહી છે.
આથી સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ઈંધણનો ભાવ વધારો જ છે. તેને કારણે સીઆર પાટીલે મતદાનના બે દિવસ પહેલાં આ સ્પષ્ટતા કરી છે. કેટલાક દિવસોથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને પેટ્રોલનો ભાવ 88 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયો છે. દેશના કેટલાક શહેરોમાં તો આ આંકડો 100ને પાર છે. તેથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ભાજપ સામે પસ્તાળ પાડી રહ્યા છે. મતદાનમાં તેની નારાજગી નહીં દેખાય તે માટે સીઆરપાટીલે ભાવ વધારામાં સરકારનો કોઈ રોલ નથી તેવુ જણાવવા પ્રયાસ કર્યો હતો..