ભારતમાં સોશિયલ મીડિયાને પાવરફુલ થતું જોઈને મોદી સરકારમાં સળવળાટ ઉભો થયો છે. કેટલીક વાર ખોટા મેસેજો કે સરકાર વિરુદ્ધ ઉત્તેજનાત્મક સંદેશો ફેલાવાય છે. હવે આ પ્રકારના મેસેજ પર અંકુશ લાદવા કવાયત થઈ રહી છે. નેટફ્લિક્સ અને એમેઝોન જેવા ઓટીટી પ્લેટફોર્મ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા માટે સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આ વિશે પત્રકાર પરિષદમાં ફોડ પાડ્યો હતો. આ સાથે પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, ઈલેક્ટ્રોનિક મીડિયાના નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ ઓટીટી અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર નિયમ નથી. અમે ઓટીટી પ્લેટફોર્મને સેલ્ફ રેગ્યુલેશનની વાત કહી હતી પરંતુ તે હજુ થઈ નથી શક્યું.
ઓટીટી પ્લેટફોર્મ/ડિજિટલ મીડિયાને પોતાના કામની જાણકારી આપવી પડશે. તેના પર નજર રાખવા એક ગૃપ બનાવવામાં આવશે. જે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ અથવા તો કોઈ અન્ય વ્યક્તિ હેઠળ કામ કરશે. ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ જ ડિજિટલ પ્લેટફોર્મને પણ ભૂલ ઉપર માફી પ્રસારિત કરવી પડશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતુ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મે કોઈપણ આપત્તિજનક કંટેન્ટની ફરિયાદ થાય તો તેને હટાવવી પડશે. ડિજીટલ મીડિયાને ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ જ પોતે જ નિયમો પાળવા પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારતમાં વેપાર કરવા સ્વાગત છે. પરંતુ ખોટા મેસેજની ફરિયાદો મળે તો તે વિશે યોગ્ય પગલા ભરવા જરૃરી છે.
સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સ બનાવાય છે. આગામી ત્રણ મહિનામાં તેને અમલી બનાવાશે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર દેખાતા કંટેન્ટને લઈને ગાઈડલાઈન બનાવવા સરકારને તાકીદ કરી હતી. જે મુજબ ભારત સરકારે કાર્યવાહી કરી છે. ભારતમાં વ્હોટ્સએપના 53 કરોડ, ફેસબુકના 40 કરોડથી વધારે જ્યારે ટ્વિટરના એક કરોડથી વધુ ઉપભોગતા છે. તેમની સામે સરકારને કોઈ વાંધો નથી. કિન્તુ વાંધાનજક કે શાંતિ ડહેળી શકે તેવી હરકતો આ પ્લેટફોર્મ પર ના થાય તે આવશ્યક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને યૂઝર્સનું વેરિફિકેશન કરવું જોઈએ. હાલમાં સરકાર તેમાં કોઈ જ હસ્તક્ષેપ નહીં કરે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઓફિસરોને તૈનાત કરાશે. કોઈપણ આપત્તિજનક કંટેન્ટને 24 કલાકમાં દૂર કરવું પડશે. પ્લેટફોર્મ્સને ભારતમાં પોતાના નોડલ ઓફિસર, રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસરને મુકવા પડશે. અફવા ફેલાવનાર પહેલો વ્યક્તિ કોણ છે તેની જાણકારી આપવી જરૂરી છે. કારણ કે ખોટા મેસેજમાં ભારતની સંપ્રભુતા, સુરક્ષા, વિદેશી સંબંધ, રેપ જેવા મહત્વના મુદ્દાઓ સામેલ હોય છે.