ભારતમાં અત્યંત ગરીબ લોકો માટે વર્ષોથી સરકાર દ્વારા મફતમાં અનાજ વિતરણ કરવાની યોજના અમલી છે. આ વ્યવસ્થામાં ગરીબોને કાર્ડ અપાયા છે. જેને રજૂ કરી પંચાયત કે પાલિકામાંથી કુપન મેળવ્યા બાદ ગરીબો અનાજ મેળવે છે. પરંતુ ગરીબોની યાદી વર્ષોથી યથાવત રહી છે. જયારે સમય સાથે સાથે કેટલાય લોકો સાધન સંપન્ન થયા છે. આવા સંજોગોમાં ભારતના કર્ણાટક રાજ્યની સરકાર જાગી ગઈ છે. તેણે તેના પ્રદેશમાં ટૂ-વ્હીલર, ટીવી, ફ્રીઝ ધરાવનારા પરિવારો કે જેઓ પાસે BPL કાર્ડ છે, તેઓને બીપીએલ કાર્ડ પરત આપવા આદેશ કર્યો છે. કર્ણાટકના અન્ન-પુરવઠા ખાતાના મંત્રી ઉમેશ કટ્ટીએ બેલગાવી ખાતે જણાવ્યું હતુ કે, ટૂ-વ્હીલર, ટીવી, ફ્રીઝ અથવા પાંચ એકરથી વધારે જમીન ધરાવતા થઈ ગયેલા કેટલાક પરિવારો હજી બીપીએલ કાર્ડ ધરાવે છે. આ લોકો ગરીબ હતા તે સમયે તેમને કાર્ડ અપાયા હતા.
પરંતુ હવે તેઓ ગરીબી રેખાથી ઉંચે આવ્યા છે. જેથી તેઓએ બીપીએલ રાશન કાર્ડ 31 માર્ચ સુધીમાં પરત કરવા પડશે. જે કોઈ પરિવાર તેના કાર્ડ પરત નહીં કરે તેઓ સામે કાયદાકીય કાર્યવાહીની ચીમકી પણ અપાઈ છે. મંત્રી ઉમેશ કટ્ટીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગરીબી રેખાથી નીચેના લોકોને બીપીએલ કાર્ડ રાખવા માટે કેટલાક માપદંડ નિર્ધારિત કરાયા છે. જે લોકો પાંચ એકરથી વધારે જમીન, મોટરસાઇકલ, ટીવી અથવા ફ્રિઝ છે તેવા લોકો હવે અત્યંત ગરીબની વ્યાખ્યામાં આવશે નહીં.સરકારના માપદંડો પર ખરા નહીં ઉતરનારા લોકોએ તેમના કાર્ડ પરત કરવા પડશે. અન્યથા તેમની વિરૂદ્ધ કાર્યવાહી થશે. મંત્રીએ કહ્યું કે વાર્ષિક 1.20 લાખ રૂપિયાથી વધારે કમાનારે બીપીએલ કાર્ડનો ઉપયોગ કરવો જોઇએ નહીં. બીજી તરફ કોંગ્રેસે મંત્રીના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. અને પાર્ટીના કાર્યકર્તાઓએ બેંગલુરૂમાં વિભિન્ન રાશનની દુકાનની સામે પ્રદર્શન કર્યું હતુ. કાર્યકર્તાઓએ ધારવાડ, મૈસુરૂ અન તુમકૂરૂમાં પણ સરકારના વલણ સામે પ્રદર્શન કર્યું હતું.