જૂનાગઢમાં દાદુદાન પ્રતાપદાન ગઢવી ઉર્ફે દાદબાપુનું નિધન થતાં ગુજરાતી કલાજગતમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. દાદુદાન ગઢવી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સાહિત્ય રસીકોમાં કવિ દાદના હુલામણા નામથી પ્રખ્યાત હતા. જુનાગઢના આ કવિ દાદ મૂળ ઈશ્વરીયા ગીરના અને વર્ષોથી જુનાગઢમાં નિવાસ કરતાં હતા. માત્ર ચાર ચોપડી ભણ્યાં હોવા છતાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિ દાદનું મોટું યોગદાન રહ્યું છે. કવિ દાદ કવિની સાથે ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ હતા. તેમનો ‘ટેરવાં’ નામનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો છે. જે તેમની ગુજરાત સાહિત્ય જગતમાં લોકપ્રિયતા બતાવે છે. ગુજરાતી સાહિત્યમાં 60 વર્ષની કારકીર્દી સાથે 15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો તેમણે લખ્યાં છે.
કવિ દાદ અગાઉ ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા હતા. કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો, કવિ દાદની પ્રખ્યાત રચના છે. નારાયણ સ્વામીના કંઠે ગવાયેલું ‘કૈલાશ કે નિવાસી અને પ્રાણલાલ વ્યાસના કંઠં ગવાયેલું ‘ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, જેવા અનેક અમરગીતોના રચિયતા કવિ દાદ છે. સૌરાષ્ટ્ર યુનિ.માં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉપર પી.એચ.ડી. પણ થઈ ચૂકી છે. દાદબાપુએ ચારણ પરંપરાને ઉજાગર કરી હતી. અને અડધી સદી સુધી સાહિત્ય-કાવ્યોની રસલહાણી કરાવી હતી. દાદુદાન ગઢવીને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021માં 26મી જાન્યુઆરીએ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. કવિ દાદને પદ્મશ્રી એવોર્ડ મળતાં ગુજરાત અને ચારણ સમાજનું ગૌરવ વધ્યું હતું. રાજકોટ જિલ્લામાં 82 વર્ષની વયે દાદબાપુએ સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં તેમના મોટા પુત્ર મહેશદાનનું કોરોનાથી નિધન થયું હતું.