ભારતીય ક્રિકેટ જગત જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાના મહાન બેટ્સમેન પૈકીના એક સચિન તેંડુલકરના લાખો ચાહકો છે. બે દાયકાથી વધુ સમય સુધી ક્રિકેટ જગતમાં સચીનનો દબદબો રહ્યો છે. તેની ક્રિકેટ જગતની સફર અત્યંત શાનદાર રહી છે. આમ છતાં તેમની જિંદગીમાં હંમેશાં બે વસ્તુઓનો વસવસો રહેશે તેવી કબૂલાત તેમણે તાજેતરમાં કરી છે. સચીન તેંડુલકરે તાજેતરમાં એક વેબસાઈટને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતુ કે, ‘મને જીવનમાં બે વાતને લઈને અફસોસ રહેશે. પહેલું તો હું સુનીલ ગાવસ્કર સાથે ક્યારેય રમી શક્યો નથી તે છે. જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે ગાવસ્કર મારો બેટિંગ હીરો હતા.
તેમની સાથે કોઈ પણ સમયે હું ટીમનો સભ્ય રહી શક્યો નહીં. તે બાબતનું હંમેશાં દુખ રહેશે. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પ્રવેશ્યો તે પહેલાં જ સુનીલ ગવાસ્કરે નિવૃત્તિ લઈ લીધી હતી. તેણે કહ્યું, ‘મને મારા બાળપણના હીરો સર વિવિયન રિચર્ડ્સ વિરુદ્ધ રમવા ન મળ્યું, તે બાબતનો પણ વસવસો છે. જો કે, કાઉંટી મેચમાં તેમની સામે રમી શક્યો તે બાબતનો મને હજી પણ આનંદ છે અને હું પોતાને આ બાબતે ભાગ્યશાળી ગણું છુ. રિચાર્ડ્સ 1991ના વર્ષમાં નિવૃત્ત થયા અને અમારી કારકિર્દીમાં થોડા વર્ષોના ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં અમને એકબીજા સામે રમવાની તક મળી નહીં. ઉલ્લેખનીય છે કે, સચીને ભારત તરફથી 200 ટેસ્ટ અને 463 વન ડે મેચ રમી હતી. જેમાં તેમણે વનડેમાં 49 અને ટેસ્ટમાં 51 સદી ફટકારી હતી. વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા તેંડુલકરના નામે હજી પણ ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે.