કોરોના કાળ બાદ સોમવારે રજૂ થનારા કેન્દ્રીય બજેટને લઈને આમ આદમી, પગારદાર વર્ગ, રિટેલ રોકાણકારોની અપેક્ષાઓ છે. સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે નાણામંત્રી નિર્મલા સીતારામન લોકસભામાં એનડીએ સરકારના બીજા શાસનકાળમાં પોતાનું ત્રીજું કેન્દ્રીય બજેટ રજૂ કરનાર છે. આ પહેલાથી જ તેની તૈયારી કરી દેવાઈ છે. ભારતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કેન્દ્રીય બજેટ સંપૂર્ણ પેપરલેસ હશે. એટલે કે, બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ કરાશે નહીં. સરકારે આ માટે સંસદના બંને ગૃહની મંજૂરી અગાઉથી જ મેળવી લીધી હતી. અત્યાર સુધી બજેટના દસ્તાવેજોના પ્રિન્ટિંગ માટે ૧૦૦ કર્મચારીઓને સતત ૧૫ દિવસ પ્રેસમાં રહેવું પડતું હતુ. પરંતુ આ વખતે કોરોનાને ધ્યાનમાં લઈને બજેટના દસ્તાવેજો પ્રિન્ટીંગ કરવાનો નિર્ણય પડતો મુકી ડીજીટલ પ્રસ્તુતી કરાશે.
જો કે, સોમવારે બંને ગૃહના સંસદસભ્યોને બજેટની સોફટ કોપી આપવામાં આવશે. કોરોનાને કારણે મુકાયેલા લોકડાઉન સહિતના પ્રતિબંધોએ ભારતના લાખો લોકોને મુશ્કેલીમા મુક્યા છે. ભારતીય અર્થતંત્રને પણ મોટો ફટકો પડ્યો છે. તેથી સરકારના આ બજેટ પર દેશના કરોડો લોકોને મોટી આશા છે. આજે ભારતીય અર્થતંત્રનો જીડીપી વૃદ્ધિદર છેલ્લા ૧૦ વર્ષના તળિયે છે, દેશમાં બેરોજગારીનો દર ટોચ પર છે, મોંઘવારી માઝા મૂકી રહી છે. સરકારની મહેસૂલી આવકમાં ઘટાડાના કારણે અંદાજપત્રીય ખાધ વિક્રમજનક સપાટી પર પહોંચી છે. ત્યારે અર્થતંત્રની ગાડીને પાટા પર લાવવા સરકાર પણ આ બજેટમાં મહત્વના નિર્ણયો કરે તેવી શકયતા છે. આ બજેટમાં લોકોને કેટલીક આશા છે. જેમાં આવકવેરામાં રાહત આપીને ગ્રાહકની ખરીદશક્તિ વધારે, આઇટી એક્ટની ધારા ૮૦સી અને ૮૦ડી અંતર્ગત સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધે, સ્ટાર્ટ-અપ, એમએસએમઇને ટેક્સ હોલીડે અથવા કરમાં રાહત મળે, તથા વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીઓને રૂ. ૫૦,૦૦૦નું વધુ સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે તેવી આશા છે. આ ઉપરાત રોકાણકારો માટે ડેબ્ટ લિન્ક્ડ સેવિંગ્સ સિસ્ટમ અમલી બને તથા રિટેલ ઇન્વેસ્ટર્સને એક્ઝમ્પશન લિમિટ રૂ.૧ લાખથી વધીને બે લાખ કરાય તેવી અપેક્ષા છે. એજ રીતે સિનિયર સિટિઝન્સ માટે પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવે તેવી આશા પણ વૃદ્ધોને છે.