ગુરૂવારે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૧લી માર્ચ ૨૦૨૧થી શરૃ થવા અંગે વિધિવત જાહેરાત કરાઈ હતી. રાજયપાલ આચાર્ય દેવવ્રતે આ વિશે સરકારને આમંત્રણ પણ મોકલ્યું છે. રાજયની વિધાનસભાના આ નવા સત્રમાં નાયબ મુખ્યમંત્રી એવમ્ નાણામંત્ર નીતિન પટેલ સતત નવમી વખત બજેટ રજૂ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ બાદની તમામ કાર્યવાહી સ્થગિત રખાશે. ગુજરાત વિધાનસભામાં ૧લી માર્ચથી શરૂ થનારા બજેટ સત્રમાં પહેલા દિવસે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી સહિતના પૂર્વ ધારાસભ્યોને શોકાંજલિ પાઠવાશે. જે બાદ બીજીએ વિધાનસભામાં નીતિન પટેલ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર રજૂ કરશે. આ સાથે જ સત્રમાં મહત્વના નિર્ણયો પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં સ્વર્ણિંમ સંકૂલમાં નાણામંત્રી નીતિન પટેલે સરકારી વિભાગના સેક્રેટરીઓ, બોર્ડ- કોર્પોરેશનના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટરો સાથે બેઠકોનો દોર શરૂ કરીને બજેટને સારુ બનાવાય તે માટે પ્રયાસોમાં જોતરાયા છે. ગુરુવાર સુધીમાં પંચાયત, પાણી પુરવઠા, નર્મદા, આરોગ્ય, ગૃહ, ઉદ્યોગ, મહેસૂલ, ઉર્જા, શિક્ષણ, કૃષિ, આદિજાતિ વિકાસ, સામાજિક ન્યાય સહિતના ૨૪ વિભાગો સાથે પટેલે બેઠકો પુર્ણ કરી હતી. ૧લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ જાહેર થનાર છે. તેથી નીતિન પટેલ આ બજેટને ધ્યાનમાં લઈને જ રાજયનું બજેટ બનાવવા માંગતા હોવાથી 1લી ફેબ્રુઆરી બાદ જ બજેટને આખારી ઓપ અપાશે. વિધાનસભાના સત્રમાં જ ગુજરાત સરકાર લવજેહાદ સામે યુપીની જેમ જ કાયદો પસાર કરવાની ફીરાકમાં છે. જો કે, સરકારના જ મોટાભાગના અધિકારીઓ સરકારની આ સંભવિત કાર્યવાહીની તરફેણમાં નથી. કારણ કે, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું જ શાસન છે. આવા સંજોગોમાં હાલ આ કાયદો પસાર કરવાથી શાસન સામે સવાલ ઉઠશે.