ભારતમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાને કારણે 10 રાજ્યોમાં સરકારની ચિંતા વધી છે. મધ્ય પ્રદેશમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે શિવરાજસિંહ ચૌહાણ સરકારે શુક્રવારે જ બેઠક યોજીને રાજ્યના ભોપાલ, ઇન્દોર તેમજ જબલપુરમાં 21 માર્ચ રવિવાર સુધીનું લૉકડાઉન જાહેર કરી દીધું હતુ. એટલે કે, હવે આ ત્રણેય શહેરોમાં સ્કૂલો અને કૉલેજો પણ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ મહારાષ્ટ્રથી મધ્ય પ્રદેશમાં આવવા અને જવા પર 20 માર્ચથી 31 માર્ચ સુધી પ્રતિબંધ મુકતો નિર્ણય પણ કરાયો હતો.
મુખ્યમંત્રી શિવરાજ સિંહે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે મોડી સાંજે જાહેરાત કરી દેવાઈ હતી. મુખ્યમંત્રી સાંજે 7 વાગ્યે બંગાળથી ભોપાલ પરત આવ્યા બાદ એરપોર્ટથી સીધા મંત્રાલય પહોંચી ગયા હતા. બેઠકમાં મુખ્ય સચિવ ઇકબાલ સિંહ બૈઝ અને ડીજીપી વિવેક જૌહરી ઉપરાંત સ્વાસ્થ્ય વિભાગના અપર મુખ્ય સચિવ મોહમ્મદ સુલેમાન અને ગૃહ વિભાગના અપર મુખ્ય સચિવ ડૉ. રાજેશ રાજૌરા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ચૌહાણે જણાવ્યું હતુ કે, મધ્યપ્રદેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી આગળ વધી રહ્યું છે. અહીં છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડબ્રેક 1140 નવા કોરોના પોઝિટિવ દર્દી મળ્યા છે. તેથી હવે નિયમોનું પાલન કરાવવા માટે કડકાઈ દાખવવી આવશ્યક બની છે.
ચોહાણે ઉમેર્યું હતુ કે, શુક્રવાર સુધીની સ્થિતિની સમીક્ષા માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થઈ ચુકી છે. પ્રદેશમાં કોરોના સંક્રમણ સતત ગંભીર થઈ રહ્યું છે અને એક વાર ફરી સંકટની સ્થિતિ બની રહી છે. સરકાર વાયરસના સંક્રમણને રોકવા માંગે છે. તેથી તમામ પગલા લેવાશે.
તેમણે રાજ્યના નાગરિકોને ફરીવાર માસ્ક પહેરવા તથઆ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનામાં કોરોનાની બીજી લહેર આવી રહી છે, જે વધારે ખતરનાક છે. આ પહેલા ગુરૂવારે મુખ્યમંત્રી ચૌહાણે કોરોનાની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે કલેક્ટરો તેમજ CMHO સાથે વિડીયો કૉન્ફરન્સ દ્વારા સ્થિતિની સમીક્ષા કરી હતી.