ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં કોવિડે મચાવેલા આતંક સામે સરકાર અને વહિવટી તંત્ર લાચાર બની ગયું છે. જો કે, આમ છતાં વ્યવસાયીક ઢબે ચાલતી આઈપીએલનું આયોજન યથાવત રખાયું છે. કોવિડ 19ની ગાઈડલાઈનના ચૂસ્ત અમલ સાથે રમાઈ રહેલા આઈપીએલને દરરોજ દેશના લાખો લોકો નિહાળી રહ્યા છે. આખી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કોઈ મોટુ વિઘ્ન આવ્યું નથી. પરંતુ છેલ્લા અઠવાડિયામાં ભારતમાં કોરોના સંકટને જોતા કેટલાક વિદેશી ખેલાડીઓએ વિદેશ પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવા સમયે હવે ગુજરાતનાં ક્રિકેટ રસીકો માટે આનંદના સમાચાર આવ્યા છે.
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે BCCIએ મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. BCCIના કાર્યકારી CEO હેમાંગ અમીને આ માહિતી આપી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી આ ટૂર્નામેન્ટમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું પડશે. મંજૂરી મળ્યા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટ IPL બાદ શરૂ થાય તેવી ગણતરી મંડાઈ રહી છે. કુલિંગ ઓફ ક્લોઝને હટાવીને ટુર્નામેન્ટને મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના રોગચાળો બેકાબૂ થઈ ચુક્યો છે. જો આગામી એક મહિનામાં તેના પર કાબૂ નહીં મેળવાય તો આ વર્ષે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 યુએઈમાં રમાડવા માટે નિર્ણય થઈ શકે છે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ માટેની ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે યોજાવાની જાહેરાત થઈ ચુકી છે. પરંતુ દેશમાં કોરોનાના સંકટને જોતા ભારતમાં વર્લ્ડ કપ યોજાય તેવી શકયતા હવે નહિવત થઈ ચુકી છે. જો કે, બીસીસીઆઈના જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ મીડિયા સમક્ષ ભારતીય ક્રિકેટ બોર્ડે દેશમાં વર્લ્ડ કપ યોજવાની આશા હજી સુધી છોડી ન હોવાનું ઉમેર્યું હતુ. તેમણે કહ્યું કે, મારી હમણાં જ આ ટૂર્નામેન્ટના ડિરેક્ટર તરીકે પસંદગી થઈ છે. તેથી, મારો પ્રયાસ રહેશે કે વર્લ્ડ કપ દેશમાં જ યોજવામાં આવે. જો કે, કોરોના અંગે દેશની સ્થિતિને આધારે જ અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સાથે આ અંગે વાત કરીને યોગ્ય નિર્ણય લઈશું.