કોરોના મહામારીને કારણે માસ પ્રમોશનના નિર્ણયથી વિદ્યાર્થીઓને બખ્ખા થઈ ગયા છે. ધો. 10ના પરિણામની જાહેરાત બાદ હવે ધો,12 સાયન્સનું પરિણામ શનિવારે જાહેર થયું હતુ. જેમાં ધોરણ.12 સાયન્સના 1.07 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઈન પરિણામ જાહેર કરાયું હતુ. શાળાઓ દ્વારા થયેલા મુલ્યાંકનના આધારે તૈયાર કરાયેલું પરિણામ બોર્ડની વેબસાઈટ પર મુકાયું છે. જેમાં આખા રાજયનું 100 ટકા પરિણામ જાહેર થતા ઈતિહાસ સર્જાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે સવારે 8 વાગે જાહેર થયેલા પરિણામમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહના કુલ વિદ્યાર્થીઓ પૈકી 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 15284 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં રહ્યા છે. અમદાવાદમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં રહ્યા છે. જયારે સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓ B2 ગ્રેડમાં રહ્યા છે. રાજ્યમાં A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.
કોરોનાના કારણે ધો. 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ રિઝલ્ટ જાહેર થયું હતુ. જો કે, કોઈપણ વિદ્યાર્થીની માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં ન આવતા આશ્ચર્ય પણ સર્જાયું છે. અલબત વિદ્યાર્થીઓને ટુંક સમયમાં જ માર્કશીટ પહોંચાડાશે તેમ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતુ. હાલમાં માત્ર શાળાઓમાં જઈને જ પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઈન પ્રિન્ટ મેળવી શકશે, બોર્ડની ઓરિજનલ માર્કશીટ થોડા દિવસ બાદ મળશે. ધોરણ.12 સાયન્સમાં કુલ 1,40,363 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં 1,07,711 વિદ્યાર્થી નિયમિત હતા અને 32,652 વિદ્યાર્થી રિપિટર્સ તરીકે નોંધાયા હતા.