રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને FOB (ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂ. 180થી વધારીને 200 કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા માંગ કરી હતી. આ અંગે ગુજરાતના દૂધ ઉત્પાદક-પશુપાલકોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા માટે હવે રાજ્ય સરકાર પ્રતિ કિલોએ રૂ. 50 પ્રમાણે સહાય આપશે. આ ઉપરાંત ફ્રેઇટ ઓન બોર્ડ FOB ભાવ પ્રતિ કિ. ગ્રામ રૂ.180થી વધારીને રૂ. 200 આપવાનું પણ રુપાણીએ નક્કી કર્યું છે. જો કે, આ સમગ્ર યોજનાનો લાભ રૂ. 150 કરોડની મર્યાદામાં આપવામાં આવશે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા થોડા દિવસ પહેલાં રાજય સરકારને રજૂઆત કરાઈ હતી. જેમાં આંતર રાષ્ટ્રીય બજારમાં મિલ્ક પાવડરના વેચાણ સમયે થઈ રહેલી સમસ્યા અને નુકસાન વિશેનો ચિતાર રજૂ કરાયો હતો. આ રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, FOB પ્રતિ કિ. ગ્રામ 180ને બદલે રૂ. 200 આપવાનો નિર્ણય લીધો છે.
સરકારની યોજના મુજબ હવે પછી સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ. ગ્રામ રૂ. 50 મહત્તમ નિકાસ સહાય 6 મહિના માટે મંજૂર કરવામાં આવી હતી. CM રૂપાણીએ 1 જુલાઇ-2021થી તા.31 ડિસેમ્બર-2021 સુધીના 6 માસ માટે રૂ. 50 પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે. એટલું જ નહિ, FOB ભાવ પરિવહન ખર્ચ સાથે રૂ. 200 પ્રમાણે આપવાનો નિર્ણય પણ તેમણે કર્યો છે. મુખ્યમંત્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો FOB ભાવ રૂ. 200થી વધીને 210 થાય તો, નિકાસ સહાય રૂ.50 થી ઘટીને રૂ.40 થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત રહેશે. રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આ નિકાસ સહાય મંજૂર કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં વધ-ઘટને કારણે જે નુકશાન થાય છે તેની અસર પશુપાલકો પર ઝાઝી નહીં પડે. રાજ્યના પશુપાલકોને રાહત આપતા આ નિર્ણયને રાજયના દૂધ ઉત્પાદક સંઘોએ આવકાર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયની રકમથી પશુપાલકોને મોટી રાહત થવાની આશા સેવાઈ રહી છે.