નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે તેઓએ ઇ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેની નોંધ આજે સમગ્ર ભારતે લીધી છે. હાલ ગુજરાતના ગૃહ વિભાગની ઈ-ગુજકોપ એપ્લીકેશન સમગ્ર દેશમાં પ્રથમ રહેતા તે બાદ રાજયના આ સુવિધાને પુરસ્કાર મળ્યો છે.આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ઇ-ગુજકોપના માધ્યમથી સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ દ્વારા પોલીસની અનેક સેવાઓ- નાગરીકોને ઓનલાઈન મળી રહે છે.
પોલીસ અને કાયદા લગતી કેટલીક માહિતી આંગળીના ટેરવે મોબાઈલ પર ઉપલબ્ધ થતાં લોકોને મોટી રાહત થઈ છે. આ એપ્લીકેશનમાં રાજ્યના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઇ.આર.ની કોપી, ગુમ થનાર વ્યક્તિની માહિતી, બિનવારસી લાશની માહિતી, ભાડુઆત, ઘરઘાટી, સિનીયર સીટીઝનની નોંધણી, નાગરિકોના વાંધા પ્રમાણપત્ર, પોલીસ વેરીફિકેશનની સેવા સરળતાથી ઉપલબ્ધ છે.
પોલીસ મહાનિરીક્ષક એસ.સી.આર.બી.એ ઇ-ગુજકોપની અન્ય વિગતો પણ પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ 725 પોલીસ સ્ટેશન અને અન્ય 1348 પોલીસ કચેરીઓ સંકળાયેલી છે. તમામ પોલીસ સ્ટેશન ખાતે કોમ્યુટર, પ્રિન્ટર અને કનેક્ટીવીટી ઉપલબ્ધ બનાવાઈ છે. ગુજરાત રાજય પ્રથમ રાજ્ય છે જ્યા આ એપ્લીકેશન પોલીસ ચોકી અને આઉટ પોસ્ટ ખાતે કાર્યરત છે. ઇ-ગુજકોપના ICJs સાથે સંકલન કરવામાં આવ્યું છે.
તેથી રાજયમાં નોંધાતી તમામ FIR 24 કલાકમાં ઓનલાઇન અપલોડ થાય છે. વડાપ્રધાન કચેરી દ્વારા તમામ રાજ્ય/કેન્દ્ર સાશિત પ્રદેશમાં સંચાલિત સી.સી.ટી.એન.એસ. એપ્લીકેશનનું દરેક માસના અંતે પ્રગતિ ડેશબોર્ડ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવે છે.
જેમાં તા. 31 મે, 2018થી પ્રગતિ ડેશબોર્ડમાં ગુજરાત સતત પ્રથમ સ્થાને રહેતા રાજ્યની આ એપ્લિકેશનને પુસ્કાર મળ્યો છે. ઇ-ગુજકોપના પોકેટકોપ પ્રોજેક્ટ અંતર્ગત તમામ તપાસ અધિકારીઓ માટે મોબાઇલ અપ્લીકેશન વિકસાવવામાં આવી છે. જે ગુન્હા શોધવા અને અટકાવવા ખૂબ જ મદદરૂપ નિવડી રહી છે. વાહન સર્ચ એપ્લીકેશન દ્વારા ગુજરાત પોલીસે 5000 ચોરાયેલ વાહનો શોધી કાઢયા છે. ગુન્હેગાર સર્ચ એપ્લીકેશન દ્વારા 7000થી વધુ ગુન્હેગારોને શોધીને તેઓના વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. પાસપોર્ટ વેરીફીકેશન દ્વારા નાગરિકોનું ઘરે બેઠા પોલીસ વેરીફીકેશન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં આ એપ્લીકેશન મારફતે 16,00,000 નાગરિકોનું પોલીસ વેરીફીકેશન કરાયું છે.