સુરત શહેર સહિત રાજ્યભરમાં ગરમીએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે. આગામી મંગળવાર સુધી રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતાઓને જોતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં ઉનાળાનું તાપમાન 41.9 ડિગ્રીએ પહોંચ્યું હતું, જે 5 એપ્રિલ સુધીમાં 43 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજથી ગરમીએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે મુજબ શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં રવિવારે યલો એલર્ટ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં સોમવાર અને મંગળવારે યલો એલર્ટ રહેશે.