2001માં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપને આજે 20 વર્ષ પુરા થઈ ગયા છે. આમ છતાં પણ તે દ્રશ્યોને યાદ કરતા જ કચ્છી લોકો આજે પણ દ્રવી ઉઠે છે. 2001 પછી પણ આજ સુધી કચ્છનો વિસ્તાર સતત ભૂકંપના આંચકા અનુભવી રહ્યો છે. જો કે, સદનસીબે 2001 પછી હજુ સુધી કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી. પરંતુ સતત આવતા કંપન્નને કારણે હવે લોકોમાં ફરી ગભરાટ ઉભો થયો છે. ગુજરાતના અન્ય પ્રદેશો અને ભારતના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે સતત આંચકા આવી રહ્યા નથી. જયારે છેલ્લાં એક માસમાં જ કચ્છમાં 20 જેટલા નાના મોટા આંચકા આવ્યા હોવાનુ ગાંધીનગર ખાતે રિટર સ્કેલ પર નોંધાયું છે. તેને કારણે ક્ચ્છના લોકોની ચિંતા ફરી વધી છે. કચ્છમાં સતત ભૂકંપ આંચકા નોંધાવા પાછળનું શું કારણ છે ?, આ સંકેત કોઈ મોટા ભૂકંપના તો નથી ને ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. જોવા જેવી બાબત તો એ છે કે, ભચાઉ અને રાપર પંથકમાં સૌથી વધારે ભૂકંપના આંચકા આવી રહ્યા છે.
છેલ્લા થોડા દિવસથી નોંધાઇ રહેલા ભૂકંપ આંચકાના કારણે લોકોમાં ડર અને ભયનો માહોલ પણ છે. અત્યાર સુધીમાં વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આફતનો સામનો કરતા કચ્છ જિલ્લામાં 2001ની સાલમાં ભૂકંપે ભારે તારાજી સર્જી હતી. શુક્રવારે પણ કચ્છ જિલ્લામાં ભૂકંપના પાંચ આંચકા નોંધાયા હોવાના અહેવાલો છે. જિલ્લામાં મોટાભાગના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ અને રાપર હોવાનું નોંધાયું છે. ભૂકંપ સ્વરૃપે કુદરતે મારેલી થપાટ બાદ કચ્છ ફરીવાર આજે બેઠું થઈ ગયું છે. તેમ છતાં કચ્છ જિલ્લામાં સતત ભૂકંપના આંચકાની ઘટનાઓ ચિંતાજનક છે. સુત્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં 6થી 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે. ભૂકંપ ફોલ્ટ લાઈનમાં કચ્છની ભૂકંપ ફોલ્ટ લાઈન પર સિસમોલોજીવિભાગ અને જિયોલોજીકલ વિભાગ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં વાગડ સાઉથ ફોલ્ટ લાઈન એક્ટિવ હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઇ રહ્યાનો દાવો સરકારના ભસ્તરશાસ્ત્રીઓ કરી રહ્યા છે. ભૂકંપ પર સંશોધન કરતા જિયોલોજીકલ વિભાગના વડા ડો.મહેશ ઠક્કર કહે છે કે, કચ્છ ભૂકંપ ઝોન-5 હોવાના કારણે ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થવો એ સામાન્ય બાબત છે. એક વખત ભૂકંપ આવ્યા બાદ બીજી વખત ભૂકંપ આવતા લગભગ 500 વર્ષ જેટલો સમયગાળો હોય છે. હાલ કચ્છમાં જે આંચકા આવી રહ્યા છે તે ફોલ્ટ લાઈનમાં રહેલી ઉર્જા બહાર આવતી હોવાથી આવે છે. જો કે, કચ્છ આગામી સમયમાં કોઈ મોટા ભૂકંપની શક્યતા નથી.