ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોરોનાનો ડર ગાયબ થયો હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યાં બીજી તરફ પાડોશી મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી ઉથલો મારી દીધો છે. જેને કારણે ગુજરાતની ચિંતા વધી ગઈ છે. પાડોશના બે રાજ્યોમાં કોવિડના કે, વધી રહ્યા હોવાથી રૃપાણી સરકાર અને તેનો આરોગ્ય વિભાગ ફરી સતર્ક બન્યો છે. સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં કોરગ્રુપની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કોરોનાના ભય વિશે જ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલા બોર્ડરના રસ્તા પર ખાસ ચેકપોસ્ટ ઉભી કરી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોનું ફરજિયાત સ્ક્રિનિંગ શરૂ કરવા નિર્ણય કરાયો હતો. નાયબ મુખ્યમંત્રીના કાર્યલયમાં યોજાયેલી બેઠકમાં ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, CMOના અધિક મુખ્ય સચિવ કે.કૈલાસનાથન, આરોગ્ય અગ્રસચિવ અને કમિશનર હાજર રહ્યા હતા. આ કોરગ્રુપે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં સ્ટેશનો પર સ્ક્રિનિંગ હાથ ધરવા જે તે કમિશનરોને આદેશ કર્યા છે.
બેઠક બાદ સરહદીય જિલ્લાના કલેક્ટરોને હાઈવે પર બહારથી આવતા લોકોના ફરજિયાત સ્ક્રીનીંગ માટે કેમ્પ ઉભા કરવા આદેશ અપાતા મોડી સાંજ સુધીમાં વલસાડ, નર્મદા, તાપી સહિતના જિલ્લામાં ચેકીંગ શરૃ કરી દેવાયું હતુ. દક્ષિણ અને મધ્ય ગુજરાતના પાડોશી રાજ્યો સાથેના સંપર્કને કારણે છેલ્લા ૪૮-૭૨ કલાકથી અચાનક કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા છે. આથી છ જિલ્લાઓના કલેક્ટરોને કોવીડ અંગે શિબર સતત ચાલુ રાખવા તાકીદ કરાઈ છે. વધુમાં રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ- વિદેશમાંથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવા પણ આદેશો કરાયા છે. બહારથી પરિવહન વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ સ્થાનો ઉપર સ્ક્રિનિંગ કરવા એશટી નિગમને સુચના જારી કરાઈ છે. સ્ક્રીનીંગ દરમિયાન જો કોઈ વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો તત્કાળ નિદાન, સારવાર તરફની વ્યવસ્થા કરવા પણ તાકીદ કરાઈ છે. બહારથી આવતા મુસાફરો માટે એન્ટ્રી પોઈન્ટ ઉપરાંત રાજ્યની અંદર કોરોનાને ફેલાતો રોકવા ધનવંતરી રથની સંખ્યા વધારવા તેમજ નાગરીકોને કોવિડ-૧૯ના ટેસ્ટિંગની સુવિધા નજીકમાં મળી રહે તેના માટે વધુમાં વધુ ટેસ્ટિંગ બુથ કાર્યરત કરવા પણ કહેવામા આવ્યુ છે.