• Tue. Feb 18th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

અમદાવાદમાં સેશન કોર્ટમાં જ ચાલતી હતી નકલી કોર્ટ, એડવોકેટે જજ બનીને આપી દિધો સરકારી જમીન આપી દેવાનો હુકમ

ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, પોલીસ, બોગસ ડોકટર સહિત નકલીની ભરમાર ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં હવે નકલી કોર્ટ ઝડપાઈ છે. નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો છે. આ ફરિયાદના આધારે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર, સીપીયુ સહિતના ઉપકરણો પણ જપ્ત કરવા આદેશ કર્યો.

આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ પણ કરી નાખ્યો હતો. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ બન્યો, કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપી દીધો હતો.

અમદાવાદના પાલડીમાં આવેલ રેવન્યુ સર્વે નં 306ની ટીપી 6ના ફાઇનલ પ્લોટ 32ની સરકારી જમીન આવેલી છે. મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનએ ઠાકોર બાબુજી છનાજીને ઉભા કર્યા હતા અને આર્બીટેશનમાં તે મિલકત તેમની હોવાનો આદેશ કર્યો હતો. તે આદેશનું પાલન કરાવવા માટે બાબુજી ઠાકોરે દીવાની દરખાસ્ત સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં સામેવાળા પક્ષકાર તરીકે કલેક્ટરને દર્શાવવામાં આવ્યા હતા. જેથી સરકાર તરફે એડવોકેટ હરેશ શાહ અને વિજય બી. શેઠ હાજર પણ રહ્યાં હતાં. તેમણે મિલકત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મામલે લવાદની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ લવાદની નિમણૂંક બન્ને પક્ષની સંમતિથી કરવી પડે. આ કેસમાં સરકારે કોઈ જ સમંતિ આપી ન હતી. એ પણ છે કે સરકાર ક્યારેય લવાદ નિમતી જ નથી. જેથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયો હતો અને પછી આખુંય કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.