ગુજરાત એમ તો સુરક્ષાની બાબતે આખાં દેશમાં વખણાય છે પરંતુ અમદાવાદમાં જે ઘટના સામે આવી છે તેને કાયદો અને વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતાં બોપલમાં એક વિદ્યાર્થીની માત્ર એટલા માટે હત્યા કરી દેવામાં આવી કારણ કે તે વિદ્યાર્થીએ એક કારચાલકને કાર ચલાવવાં બાબતે ટકોર કરી હતી. વિદ્યાર્થીએ કારચાલકને કાર ધીમી ચલાવવાં માટે કહેતા ઉશ્કેરાયેલા કાર ચાલકે વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો હતો જેમાં વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ પિયાંશુ જૈન નામનો વિદ્યાર્થી બોપલ વિસ્તારમાંથી પોતાની બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. એ દરમિયાન કારચાલકે વધુ સ્પીડથી કાર હાંકતા પ્રિયાંશુ જૈને તેને રોક્યો હતો અને કાર ધીમી ચલાવવાં ટકોર કરી હતી. આ વાતને લઇને બંને વચ્ચે વિવાદ થયો અને કારચાલકે છરીના ઘા ઝીંકી વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનને મોતને ઘાટ ઉતાર્યો હતો. પિયાંશુ જૈન એમઆઇસીએ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું હાલ સામે આવ્યું છે. જે સમયે ઘટના બની ત્યારે તે પોતાના મિત્ર સાથે બુલેટ પર જઇ રહ્યો હતો. હાલ આ મામલે પોલીસે હત્યારા કારચાલકને પકડી પાડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.
બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવેલી ફરિયાદ અનુસાર, પ્રિયાંશુ જૈન ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો અને mica કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. 10 નવેમ્બરના રોજ રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ પૃથ્વીરાજ અને પ્રિયાંશુ મિત્રનું બુલેટ લઇને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલી દુકાને સૂટ સિવડાવવા માટે જઇ રહ્યા હતા. બાદમાં વકિલ બ્રિજ પાસે નાસ્તો કરી કોલેજ તરફ જઇ રહ્યા હતા એ સમય દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક કારે બુલેટ પાસેથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવાનું ટકોર કરી હતી.
બાદમાં પ્રિયાંશુ અને કાર ચાલક વચ્ચે વિવાદ થયો હતો. ઉશ્કેરાયેલા કાર ચાલકે છરીથી પ્રિયાંશુ પર હુમલો કર્યો બાદમાં કાર ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો. બાદમાં તેના મિત્રો ગંભીર હાલતમાં પ્રિયાંશુને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન પ્રિયાંશુનું મોત નીપજ્યું હતું