• Mon. Nov 4th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

અંકલેશ્વર જીઆઇડીસી ડ્રગ્સ બનાવવાનું હબ બન્યું! આવકાર ફાર્મામાંથી 5000 કરોડ રૂપિયાનું કોકેન મળી આવ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાંથી પોલીસે 518 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક અંદાજ મુજબ આ કોકેનની કિંમત 5000 કરોડ રૂપિયા જેટલી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે થોડા દિવસ પહેલા ૭૭૦ કિલો કોકેન જપ્ત કર્યા બાદ ઝડપાયેલા આરોપીઓની વધુ પુછપરછ કરી હતી જેમાં ગુજરાત કનેકશન સામે આવ્યું હતું. આ ડ્રગ્સ ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાં તૈયાર કરાયાની વિગતો સામે આવતા રવિવારે દિલ્હી પોલીસ અંકલેશ્વર પહોંચી હતી જ્યાં ભરૂચ પોલીસની ટીમને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પાંચ હજાર કરોડની કિંમતનું ૫૧૮ કિલો કોકેન મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ડ્રગ્સ કંપનીમાં તૈયાર કરીને દિલ્હી તેમજ દેશના અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ અંગે દિલ્હી પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરી છે.

દિલ્હી પોલીસના સ્પેશીયલ સેલે ગત ૧લી ઓક્ટોબર અને ૧૦ ઓક્ટોબરના રોજ સાત હજાર કરોડ રૂપિયાની કિંમતનું ૭૭૦ કિલો કોકેન જપ્ત કરીને ઝડપાયેલા આરોપીઓની પુછપરછ શરૂ કરી હતી. પુછપરછ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાંથી તૈયાર કરીને દિલ્હીમાં મંગાવાયો હોવાની વિગતો પોલીસને સાંપડી હતી. જેના આધારે રવિવારે દિલ્હી પોલીસની ટીમ ભરૂચ પહોંચી હતી અને ભરૂચ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિતના સ્ટાફને સાથે રાખીને આવકાર ડ્રગ્સ કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

જેમાં રૂપિયા પાંચ હજાર કરોડની કિંમતનું ૫૧૮ કિલો કોકેન મળી આવ્યું હતું. આ કોકેન તૈયાર કરીને અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ જથ્થો જપ્ત કરીને પોલીસે કંપનીના માલિક અશ્વિન રામાણી સહિત પાંચ લોકોને ઝડપી લીધા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દુબઇ અને ઇગ્લેન્ડ સાથે કનેક્શન ધરાવતા હોવાનું સામે આવતા આ એક ઇન્ટરનેશનલ રેકેટનો હિસ્સો હોવાની વિગતો પણ પોલીસને સાંપડી છે. ૧લી ઓક્ટોબરના રોજ દિલ્હીમાંથી પોલીસે ૫૬૦ કિલો કોકેન અને ૪૦ કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. ત્યારબાદ દિલ્હીના રમેશનગરમાં આવેલી એક દુકાનમાંથી ૨૦૮ કિલો કોકેન જપ્ત કરાયું હતું. જે આવકાર ડ્રગ્સ કંપનીમાંથી તૈયાર કરાવીને દવાની આડમાં દિલ્હીમાં પહોંચતુ કરાયું હતું. આમ, આ કેસમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧૩ હજારની કરોડની કિંમતનું ૧૨૮૯ કિલો કોકેન અને ૪૦ કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો હતો.