અમદાવાદ શહેરના રસ્તાઓ હવે સામાન્ય લોકો માટે સલામત રહ્યા નથી. મૃત્યુ સતત લોકોના આજુબાજુ આંટા મારી રહ્યું હોય એવું લાગે છે. શહેરના માર્ગો પર નશામાં ડ્રાઇવિંગ અને હિટ એન્ડ રનના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદના નરોડા-દહેગામમાં નજીક નશામાં ધૂત કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને બે યુવકોના જીવ લઇ લીધા હતા. હજુ ગયા અઠવાડિયે નશેડી રિપલ પંચાલના અકસ્માતને લોકો હજુ ભૂલ્યા ન હતા ત્યાં વધુ એક નશેડીએ 2 માસુમ લોકોનો જીવ લીધો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને નશામાં ધૂત ચાલકને મેથીપાક આપ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, શહેરમાં હવે આવા બનાવો સામાન્ય બની ગયા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે મોડી રાત્રે નરોડા-દહેગામ રોડ પર એક્ટિવા સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા. દરમિયાન નશાની હાલતમાં કાર હંકારી રહેલા ગોપાલ પટેલ નામના યુવકે પુરપાટ ઝડપે કાર હંકારી કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ગઈ હતી. દરમિયાન તેણે એક્ટિવા પર આવી રહેલા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડને ટક્કર મારતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.