ગુજરાતમાં ચોમસાએ વિધિવત વિદાય લીધા બાદ હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. જો કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે તો દિવસ દરમિયાન ગરમીને લીધે લોકો હેરાન થઇ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, શુક્રવારના રોજ રાજ્યનું લઘુતમ તપામાન 20.7 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે (25મી ઓક્ટોબર) ગાંધીનગરમાં સૌથી ઓછું 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે કંડલા પોર્ટ પર 26.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. શુક્રવારે 26.3 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાઇ રહ્યું હતું. આગામી દિવસોમાં લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, દાના વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વર્તાવા માંડશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.