• Wed. Jan 22nd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ગુજરાત સરકારે નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરી, સુરતના ટેક્સટાઇલ યુનિટ્સને હવે મળશે આ લાભો

દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ધરાવતા અગ્રણી ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતી અનેક મોટી જાહેરાતો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી પોલિસીમાં કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઈલ પોલિસી હેઠળ 10 થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી આપવા ઉપરાંત પાવર સબસિડી સહિતના લાભો માટે 5592 જેટલા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ માટે રૂ. 1107 કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે.

ટેક્સટાઈલ પોલિસી હેઠળ સરકાર દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને કેપિટલ સબસિડીમાં સરકારે નવી પોલિસી જાહેર કરી છે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને eFCI ના 10 ટકાથી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી મળશે. જેમાં તાલુકાની શ્રેણી અને કામગીરીના આધારે મહત્તમ રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે. બીજું છે વ્યાજ પર સબસિડી જેમાં ક્રેડિટ-લિંક્ડ ઈન્ટરેસ્ટ સબસિડી હેઠળ પ્રદાન કરવામાં આવતી નાણાકીય સહાય eFCI (એલિજેબલ ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ)ના 5 ટકાથી વધારી 7 ટકા કરવામાં આવી છે. જેની મુદ્દત 5થી 8 ટકા રહેશે.

આ ઉપરાંત વીજ ટેરિફ પર સબસિડીની પણ જાહેરાત કરવામાં આવી છે. ટેક્સટાઈલ યુનિટને માન્ય કામગીરી માટે પાવર ટેરિફ સબસિડી મળશે. જેમાં પાંચ વર્ષ માટે DoCPમાંથી ઓપન એક્સેસ મારફત ડિસ્કોમ તથા રિન્યુએબલ પાવર હેઠળ રૂ. 1 પ્રતિ યુનિટ (kWh) ના દરે વીજ પ્રાપ્ત કરી શકશે. 2019માં જાહેર થયેલી ટેક્સટાઈલ પોલિસીની મુદત 2023માં પૂર્ણ થઈ હતી. જેના પગલે નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી પોલિસીમાં કરાયેલા ફેરફારોના આધારે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રીમાં રૂ. 30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના ધરાવે છે. અગાઉ જૂની પોલિસી હેઠળ રૂ. 35 હજાર કરોડનું રોકાણ થયું હતું. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવાની સાથે જીઆઈડીસીના 564 કરોડના વિવિધ વિકાસ કામોનું આજે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં 5500 યુનિટ્સને રૂ. 1 હજાર કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે.