કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે. અશ્લીલ વીડિયો ઉતારી બ્લેક મેઈલ કરીને 30 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ કરાયો હતો. આ મામલે મહિલા આરોપી નર્મદાની પોલીસે ધરપકડ કરી છે. નર્મદા નામની આ મહિલાએ આશા વર્કરની નોકરી મેળવવાના બહાને આરોગ્ય અધિકારી ડૉ. રાજીવ અંજારીયાને હનીટ્રેપ કરીને પોતાના ઘરે ચા પાણી માટે બોલાવ્યા હતા. અંજારીયા તેના ઘેર ગયાં ત્યારે ગુલામ મીરે તેમને મુઢ માર મારીને નર્મદા જોડે ઊભાં રખાવીને અશ્લીલ હાલતમાં વીડિયો ઉતાર્યો હોવાનો આખો મામલો સામે આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, લગભગ એક મહિના મહિલાએ આરોગ્ય અધિકારીને પહેલાં વોટ્સ-એપ મેસેજ કરીને આશા વર્કર તરીકે નોકરી આપવા વિનંતી કરી હતી. આ પછી વોટ્સ-એપ મેસેજીસ કરીને ડો. રાજીવ સાથે સંબંધો ગાઢ બનાવ્યા હતા. આ મહિલાએ પોતે અંતરજાળ ગામે માતા-પિતાના ઘરે હોવાનું અને ચા પીવા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. અંજારથી દસેક કિલોમીટર દૂર અંતરજાળ ગામે મહિલાના ઘરે તાલુકા હેલ્થ ઓફિસર પહોંચ્યા હતા. ઘરમાં મહિલા એકલી હતી અને કપડાં ઉતારવા લાગી હતી.
આ સમયે જ મહિલાનો કહેવાતો પતિ દોડી આવ્યો હતો અને ડો. અંજારિયાનો શર્ટ ઉતરાવી વીડિયો ઉતારી લઈ લાફા પણ માર્યા હતા. 30 લાખ રૂપિયા માગવામાં આવતાં ડો. અંજારિયાએ ઓફિસે લઈ જઈને બેન્કમાંથી ઉપડાવી 50,000 આપ્યા પણ હતા. બાકીના 30 લાખના છ ચેક આરોપી મહિલા નર્મદા દિનેશ વાળંદ અને તેના કહેવાતા પતિ દિનેશ ઉર્ફે ગુલામ હાજીએ પડાવી લીધાની ફરિયાદ આદિપુર પોલીસમાં નોંધાવાઈ હતી.