ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 2025ની બોર્ડ પરીક્ષાથી ધો.12 સાયન્સ સાથે ધો.10 અને 12 સામાન્ય પ્રવાહની પણ બે વાર બોર્ડ પરીક્ષા લેવાનું નક્કી કરાયા બાદ હવે ફીમાં પણ વધારો કરી દેવાયો છે. બે વાર બોર્ડ પરીક્ષા દરમિયાન તમામ વિષયોની પુરક પરીક્ષાને પગલે બોર્ડ દ્વારા પરીક્ષામાં હવે પાંચ ટકાનો વધારો કરવામાં આવતાં વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. આ ફી વધારો નિયમિત,રિપીટર,પૃથ્થક અને ઓપન સ્કૂલિંગ હેઠળ પરીક્ષા આપતા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને લાગુ પાડવામાં આવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવશે તેવી પહેલેથી જ સંભાવના હતી. જો કે આ વર્ષે પાંચ ટકા વધારો કરવામાં આવતા સામી દિવાળીએ વાલીઓ પર મોંઘવારી થોપવામાં આવી છે. બોર્ડે આ પહેલા બે વાર પરીક્ષા લેવાનું નક્કી કર્યુ હતું. ફેબ્રુઆરી-માર્ચની પરીક્ષા બાદ જુનની પુરક પરીક્ષામાં તમામ વિષયોમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે જેથી હવે બોર્ડને પરીક્ષા ખર્ચ અને મહેનત વધશે જેને લીધે બોર્ડે ફી વધારો કરી દેવાનો નિર્ણય કરાયો છે.
ઉલ્લેખનીય છે કે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં નિયમિત, રીપીટર,પૃથ્થક અને ઓપન સ્કૂલિંગના મળીને 17 લાખથી વઘુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય જ નહીં તો દરેક કેટેગરીની ફીમાં પાંચ ટકા સુધીનો ફી વધારો કરતા બોર્ડની બે પરીક્ષા સાથે બે વાર ફી પણ મળશે. જો કે નિયમિત સિવાયની પૃથ્થક કેટગેરીમાં પાંચ ટકાથી ઓછો ફી વધારો કરાયો છે. આ પહેલા બોર્ડે જાહેર કર્યું હતું કે આ નવું ફી માળખુ આ જ વર્ષથી લાગુ થશે અને હવે ટૂંક સમયમાં આ નવી ફી પ્રમાણે ધો.10 અને 12માં પરીક્ષા ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.