• Wed. Jan 22nd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ગરીબોના અધિકાર પર તરાપ! અમદાવાદની એક ખાનગી શાળામાં 63 બાળકોને આરટીઇ હેઠળ ખોટી રીતે એડમિશન અપાયા

રાઇટ ટુ એજ્યુકેશનમાં અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં 63 બાળકોના પ્રવેશ ખોટી રીતે અપાયા હોવાનું સામે આવ્યું છે. વાલીઓએ જ અમદાવાદ શહેર ડીઈઓની સુનાવણીમાં સ્વીકાર કર્યો હતો કે એડમિશન મેળવવા માટે ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જો કે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી આ પ્રવેશ ચાલુ રખાશે અને વર્ષના અંતે તમામ પ્રવેશ આરટીઈમાંથી રદ કરી દેવામાં આવશે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ ધો.1થી 8માં જરૂરિયાતમંદ અને ગરીબ તેમજ અનામત કેટેગરીથી માંડી વિવિધ 13 કેટેગરીમાં મેરિટ અને આવક સહિતના આધાર પુરાવાને આધારે ખાનગી શાળાઓમાં પણ વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. ઘણાં વાલીઓ આવકના ખોટા દાખલા રજૂ કરી બાળકોના પ્રવેશ કરાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. બે વર્ષ પહેલા સરકારે આરટીઈમાં ફોર્મ સાથે ઈન્કમ ટેક્ષ રીટર્નના પુરાવા પણ જોડવાનું ફરજીયાત કર્યુ છે છતાં આ મોટી બેદરકારી શાળાઓ તરફથી જોવા મળી રહી છે.

વર્ષ 2023માં પાંચથી વધુ સ્કૂલોએ 300 જેટલા બાળકોના પ્રવેશ આરટીઈમાં ખોટા પુરાવાના આધારે થયા હોવાની વિગતો અમદાવાદ શહેર ડીઈઓ કચેરીમાં આપી હતી. જેને પગલે વર્ષના અંતે ડીઈઓ દ્વારા અનેક પ્રવેશ સુનાવણી કરવામાં આવી હતી. તપાસના અંતે ચકાસણી કરીને એડમિશન રદ પણ કર્યા હતા. દરમિયાન વર્ષ 2024 પણ 50થી વધુ બાળકોના પ્રવેશ આરટીઈમાં ખોટા આવકના દાખલા સાથે થયા હોવાનું સ્કૂલોએ ડીઈઓને જણાવ્યું હતું.