રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગુંદાસરા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી વિદેશી દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડયા હતા. રાત્રિ દરમિયાન મહેફિલ જામી પણ એલસીબી અને એસઓજીએ સવાર સવારમાં દરોડો પાડી 14 ને ઝડપી લીધા હતા. મહેફિલ માણી રહેલા મોટા ભાગના નબીરા રાજકોટ શહેરમાં રહેતા હોવાનું કહેવાય છે.
ગઇકાલે રાત્રે દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્યભરમાં ડીજીપીની સૂચનાથી પોલીસ કોમ્બીંગ નાઇટ યોજાઇ હતી. રાજકોટ રૂરલ એલસીબી અને એસઓજીનો સ્ટાફ દ્વારા ગઇકાલે રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ગુંદાસરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળસ્કે ચારેક વાગ્યે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન પોલીસને ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા 9 સગીર અને 5 યુવાનો મળી કુલ 14 નબીરા મળી આવ્યા હતા. આ ઉપરાંત વિદેશી દારૂની 4 બોટલ, 100 એમએલની 1 બોટલ, 3 ખાલી બોટલ, વેફર-નમકીન વગેરે મળી આવ્યા આવતા પોલીસે તમામ વસ્તુ જપ્ત કરી હતી.
આ કેસમાં નિયમ મુજબ પોલીસે સગીરોના વાલીઓને જાણ કરી હતી. જ્યારે પાંચ યુવાનોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. જે પાંચ યુવકોની ધરપકડ કરી છે તેમાં તીર્થ મયુરભાઈ કંસાગરા, દેવાંશ હિતેશભાઈ પાદરિયા, કરણ કેયુરભાઈ મેઘપરા, ધ્વનિલ કલ્પેશભાઈ શાહ, આસ્વત મહેશભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.