ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઇ રહી. વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ હવે સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ડી.વાય.એસપી રબારીએ આપેલી માહિતી અનુસાર આ મામલે એકની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સગીર પીડિતાની માતાએે આઠ નરાધમો સામે થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. આઠ શખ્સોમાંથી કેટલાક આરોપીઓ દ્વારા 17 વર્ષીય સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદ કરવામાં આવી છે. અલગ અલગ 8 શખ્સોએ છેલ્લા સાત મહિનામાં સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસ ફરિયાદમાં 8 આરોપીઓના નામ આપ્યા છે.
પોલીસે સગીરાના નિવેદનને ધ્યાને લઇ આ મામલે અજય ભરવાડ, અજય અલગોતર, શૈલેષ અલગોતર, ધ્રુવ ચાવડા, કૌશિક ગોસ્વામી, વિજયસિંહ સોલંકી, દર્શન સદાદિયા,કાનો ઉર્ફે હરીનો સમાવેશ થાય છે. પોલીસે હાલ એક આરોપીને ઝડપી પાડી તેના પાસેથી માહિતી મેળવી અન્ય આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.