• Mon. Nov 4th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

સુરતઃ ભટારમાં ટ્રેડમિલ પર ચાલી રહેલા કાપડ વેપારી અચાનક ઢળી પડતા થયું મોત

હાલના સમયમાં હાર્ટ અટેકના લીધે મોત થયા હોવાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં કાપડના વેપારી જીમમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યાં હાજર લોકો દ્વારા વેપારીને CPR આપ્યા છતાં જીવ બચી શક્યો નહોતો. વેપારીને કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતા ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.

મળતી વિગતો અનુસાર, સુરતના ભટાર વિસ્તારમાં કાપડના વેપારી 60 વર્ષીય દ્વારકાદાસ મારુ જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક ઢળી પડતા જીમમાં હાજર લોકો ભેગા થયા હતા અને વેપારીને CPR આપી ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, વેપારીને ભાનમાં ન આવતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબે વેપારીને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેક આવ્યો હોવાથી દ્વારકાદાસનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.