સુરતના ખટોદરા અને સારોલીમાં પોતાની હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી દુકાન શરૂ કરનાર એક મુસ્લિમ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સે અમરોલીના વિવર પાસેથી દલાલ મારફતે રૂ.72 લાખનું ગ્રે કાપડ ખરીદી કરી બાદમાં પેમેન્ટ નહીં કરું એમ કહી ધમકી આપનાર ઉન વિસ્તારમાં રહેતા મુસ્લિમ વેપારી સહિત પાંચ વિરુદ્ધ ઉધના પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે મુસ્લિમ વેપારી અને તેના સાગરીતની ધરપકડ કરી છે.
મુસ્લિમ વેપારીએ હિન્દુ વેપારીનું નામ ધારણ કરી જીએસટી નંબર મેળવ્યો હતો અને ભાડા કરારનો ઉપયોગ કરી સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો હોવાનું સામે આવતા સામી દિવાળીએ વેપારી આલમમાં ખળભળાટ મચ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરતના વરીયાવ છાપરાભાઠા રોડ ડી.ડી.સ્પોર્ટસ સેન્ટર પાસે રિવાન્ટા ગાર્ડન સીટી એચ-902 માં રહેતા 30 વર્ષીય પ્રજ્ઞેશ ઉર્ફે પિન્ટુ મનસુખભાઈ વાઘાણી પોતાના પિતરાઈ ભાઈ સાથે ભાગીદારીમાં કામરેજ વરેલી પાસે ધીરજ ઈન્ડસ્ટ્રીયલમાં મીત ક્રિએશનના નામે ગ્રે કાપડ બનાવી વેપાર કરે છે. બે વર્ષ અગાઉ મિત્ર સુરેશ પાલડીયાને ટીએફઓ મશીન ખરીદવાના હોઈ પ્રજ્ઞેશભાઈ ઉધના ઉધોગનગર રોડ નં.8 ઓફિસ નં.19/3/4 સ્થિત ભરતભાઈ વઘાસીયાની શિવ ટેક્ષ ખાતે લઇ ગયા હતા. ત્યાં તેમની મુલાકાત કાપડ દલાલ અનીલ હસમુખ ચેવલી સાથે થઈ હતી.તેમણે ખટોદરા સબજેલની પાછળ કડીવાલા હાઉસમાં મહાવીર ટ્રેડીંગના વહીવટકર્તા જગદીશ કુમાવથ સાથે મુલાકાત કરાવી હતી અને તેમની સાથે ગ્રે કાપડનો વેપાર શરૂ કર્યો હતો.
પહેલા તો 10 લાખનું ગ્રે કાપડ ખરીદી સમયસર તેનું પેમેન્ટ કરનાર જગદીશ કુમાવથે ત્યાર બાદ 15 ઓગષ્ટથી 27 ઓક્ટોબર 2023 દરમિયાન પ્રજ્ઞેશભાઈ પાસેથી રૂ.72,03,263 નું ગ્રે કાપડ ખરીદ્યું હતું. આ પૈસાની ઉઘરાણી માટે પ્રજ્ઞેશભાઈ મહાવીર ટ્રેડીંગની દુકાને ગયા ત્યારે ત્યાં મહેશભાઈ ભાલાણી મળ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે મેં મહાવીર ટ્રેડીંગની તમામ દુકાનો ખરીદી લીધી છે અને બાકી નીકળતી ઉઘરાણી મારી આપવાની છે .આથી થોડા સમય બાદ પ્રજ્ઞેશભાઈએ પેમેન્ટની માંગણી કરી તો મહેશભાઈએ વાયદા પર વાયદા કર્યા હતા.
ગત 27 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞેશભાઈ મહાવીર ટ્રેંડિંગની ઓફિસે પેમેન્ટ લેવા ગયા ત્યારે ત્યાં હાજર મહેશભાઈ અને જગદીશ કુમાવથ પૈકી મહેશભાઈએ કહ્યું હતું કે તારાથી થાય તે કરી લેજે, કોઈ પણ પોલીસ સ્ટેશન હોય ત્યાં અમારા હપ્તા જાય છે અને હું આખા ગામને નવરા કરવા બેઠો છું.તને તારો જીવ વ્હાલો હોય તો પેમેન્ટ ભૂલી જા.નહીંતર જાનથી હાથ ધોવા પડી જશે. તેમ છતાં વારંવાર ઉઘરાણી કરવા છતાં બંનેએ પેમેન્ટ કર્યું નહોતું અને છ મહિના અગાઉ દલાલ અનીલ ચેવલી મારફતે જાણ થઈ હતી કે તેમણે જે જગદીશ કુમાવથ સાથે મુલાકાત કરાવી હતી તેનું સાચું નામ રીઝવાન સૈયદ આબીદ હુસેન છે.
રીઝવાન સૈયદ આબીદ હુસેને મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ ધારણ કરી જગદીશ કુમાવથ નામના વેપારીના જીએસટી નંબર અને ભાડા કરારનો ઉપયોગ કરી માર્કેટમાં સંખ્યાબંધ વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાની જાણ થતા છેવટે પ્રજ્ઞેશભાઈએ ગતરોજ રીઝવાની સૈયદ આબીદ હુસેન ( રહે.ફલેટ નં.304, અલ સીસા રેસીડન્સી, દરબાર નગર, ઉન, સુરત ), જગદીશ કુમાવથ ( રહે.101, સાનીધ્ય કોમ્પલેક્ષ, ઠાકોરનગર, પરવત પાટીયા, સુરત ), મહેશભાઇ રામજીભાઇ ભલાણી, તેમની સાથે ઠગાઇમાં સામેલ મોહમદભાઇ અને દલાલ અનીલ ચેવલી વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીઝવાન સૈયદ આબીદ હુસેન અને તેના સાગરીત મહેશ ભાલાણીની ધરપકડ કરી હતી.