ગુજરાત સહિત દેશમાં વારંવાર લવ જેહાદના અનેક કિસ્સા સામે આવતા હોય છે. કચ્છના માંડવીના ગોધરા ગામે લવ જેહાદનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં એક પૂણેના મુસ્લિમ યુવકે મૂળ કચ્છની હિન્દુ નામની આઈડી બનાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. કચ્છની આ યુવતી સાથે યુવકે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બીભત્સ ફોટા વાયરલ કરીને સગાઈ પણ તોડાવી નાખી હતી. આ મામલે આરોપી સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ લગ્ન કરવા કરેલા આગ્રહના બાદ યુવકે પોતે મુસ્લિમ હોવાનું વાત તો સ્વીકારી હતી પરંતુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવી લેવા દબાણ કર્યું હતું. પરંતુ, યુવતીએ તેની સાથેના સંબંધનો અંત આણી દીધો હતો. તેમ છતાં, પુણેનો યુવક સતત તેને હેરાન કરતો હતો.
મૂળ માંડવી તાલુકાના ગોધરા ગામનો એક પરિવાર વર્ષોથી મુંબઈ સ્થાયી થયો હતો. ત્રણેક વર્ષ અગાઉ પરિવારની પુત્રી ‘ફ્રી ફાયર મેક્સ’ નામની ઓનલાઈન ગેમ રમતાં રમતાં જીગર નામની આઈડી ધરાવતાં અન્ય એક ગેમરના કોન્ટેક્ટમાં આવી હતી. આ યુવતી ઘણીવાર જીગર નામના પ્લેયર સાથે મળીને ગેમ રમતી હતી. બાદમાં બંને વચ્ચે સ્નેપચેટ પર ચેટિંગ શરૂ થયું હતું. જીગર પોતે મંદિરમાં દર્શન કરતો હોય તેવા ફોટો અવારનવાર યુવતીને મોકલતો રહેતો હતો. ઓનલાઈન માધ્યમથી સંપર્ક બાદ વાસ્તવિક મુલાકાત કરી અને પછી પ્રેમ સંબંધમાં શરૂ થયો હતો.
મુંબઈમાં બે વખત જીગરે યુવતી એકલી હોય ત્યારે તેના ઘરે જઈને તેની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતીએ તેને લગ્ન કરી લેવા માટે આગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે, યુવકે ભાંડો ફોડ્યો હતો કે પોતે જીગર નહીં પણ જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ (રહે. કાલથણ, પૂણે, મહારાષ્ટ્ર)નો વતની છે. અપરિણીત જીયાદે યુવતીને નિકાહ માટે ધર્મ પરિવર્તન કરી લેવા દબાણ કર્યુ હતું. તેથી યુવતીએ તેની સાથેના બ્રેક અપ કરી લીધું હતું.
યુવતીએ સંબંધ કાપી નાખ્યા બાદ પણ જીયાદે તેની સાથે મનમેળ કરવા સતત પ્રયાસ કર્યો હતો. તેનાથી કંટાળીને યુવતીનો પરિવાર બે વર્ષ અગાઉ વતનમાં રહેવા આવી ગયો હતો. અહીં આવીને યુવતીની સમાજના એક યુવક સાથે સગાઈ પણ કરી હતી. સગાઈ બાદ યુવતીએ જીયાદનો નંબર બ્લોક કરી દેતાં જીયાદ ઉશ્કેરાયો હતો અને તેણે યુવતીના ભાઈના નામની ફેક આઈડી બનાવીને અભદ્ર ફોટોગ્રાફ મોકલી ઈન્સ્ટાગ્રામ પર પણ વાયરલ કર્યાં હતાં. આ વાયરલ ફોટો અંગે જાણ થતાં યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. જીયાદથી કંટાળીને યુવતી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ભુજમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી. બોડાણાએ સમગ્ર ઘટનાક્રમના આધારે વિવિધ કલમો તળે ફરિયાદ દાખલ કરીને જીયાદની ધરપકડ કરી હતી.