ગુજરાતમાં સરકાર ફરી ફુલગુલાબી ચિત્ર રજૂ કરવા માંડી છે. ગૃહમાં શુક્રવારે વિપક્ષના સવાલનો જવાબ આપતા ગૃહમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રીએ કહ્યું હતુ કે, બે વર્ષમાં ૧૩,૪૪૧ બીપીએલ કાર્ડનું હવે એપીએલ કાર્ડમાં રૃપાંતર કરાયું છે. જ્યારે ૧૧,૩૧૩ બીપીએલ કાર્ડ રદ્ કરી દેવાયા છે. સરકારના આ જવાબ બાદ વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતુ કે, રાજ્યમાં બીપીએલ માટેનો સર્વે છેલ્લાં ૧૦ વર્ષથી કરાયો નથી. તેથી સાચા ગરીબોની હકીકત બહાર આવતી નથી. કોંગ્રેસના સભ્યએ ગૃહમાં વધુમાં જણાવ્યું હતુ કે, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૨૨૩૫-૨૨૩૫ બીપીએલ રેશનકાર્ડ રદ્ કરાયા છે. સાબરકાંઠા જિલ્લામાં ૧,૧૧૯, અમરેલી જિલ્લામાં ૮૧૩, નવસારી જિલ્લામાં ૫૦૨, મહેસાણા જિલ્લામાં ૩૫૬, મોરબી જિલ્લામાં ૨૮૫, ખેડા જિલ્લામાં ૨૩૯ બીપીએલ રેશનકાર્ડ રદ્ કરી દેવાયા છે. આવા સંજોગોમાં લાખો ગરીબો લોકોને અન્ન મળી રહ્યું નથી. બીપીએલ કાર્ડને એપીએલ કાર્ડમાં તબદીલ કરવા અને બીપીએલ રેશનકાર્ડને રદ્ કરવાના કારણે લાખો ગરીબો મુશીબતમાં મુકાયા છે. બીજી તરફ બીપીએલ કાર્ડમાંથી એપીએલ કાર્ડમાં તબદીલ કર્યા હોય તેવા અરવલ્લી જિલ્લામાં ૨,૧૬૭ કિસ્સા છે, સાબરકાંઠા જિલ્લામાં ૧૯૦૮, દાહોદ જિલ્લામાં ૧૧૨૧, સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૬૧, સુરત જિલ્લામાં ૭૫૨, ભાવનગર જિલ્લામાં ૯૩૪ અને છોટાઉદેપુર જિલ્લામાં ૬૦૦ બીપીએલ કાર્ડ તબદીલ થયાનું સરકારી ચોપડે નોંધવામાં આવ્યું છે.