ગુલશન કુમાર હત્યા મામલે સંકળાયેલી અરજી અંગે બોમ્બે હાઈકોર્ટે નિર્ણય સંભળાવતા આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. ગુલશન કુમારના મર્ડરમાં અબ્દુલ રઉફ ઉર્ફે દાઉદ મર્ચેન્ટ સામેનો આરોપ પુરવાર થઈ ગયો હતો. અબ્દુલ રઉફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાથીદાર છે. મળતી વિગતો મુજબ 12 ઓગષ્ટ, 1997ના રોજ ટી-સીરિઝ કંપનીના માલિક ગુલશન કુમારની મુંબઈના જુહૂ વિસ્તારમાં હત્યા થઈ હતી. ગુલશન કુમાર મંદિર બહાર નીકળી રહ્યા હતા તે સમયે શાર્પશૂટરોએ 16 ગોળીઓથી તેનું શરીર છણ્ણી કરી દીધું હતુ. આ કેસમાં પોલીસે તરત આરોપીને પકડી પાડ્યા હતા. જો કે, કેટલાક સામે હજુ પણ કેસ ચાલી રહ્યો છે. અબ્દુલ રઉફને પણ ગુલશન કુમારની હત્યાના કેસમાં પકડી પડાયો હતો. જે બાદ કોર્ટમાં તેની સામે પોલીસે રજૂ કરેલા પુરાવાને આધારે કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. આખરે એપ્રિલ 2002માં તેને ઉંમરકેદની સજા થઈ હતી. જે બાદ 2009માં તે પેરોલ પર બહાર આવ્યો હતો અને બાંગ્લાદેશ ભાગી ગયો હતો. જો કે, ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને આરોપીની માંગણી કરતાં બાંગ્લાદેશથી તેને ભારત લાવવામાં આવ્યો હતો.
દરમિયાનમાં ગુલશન કુમાર કેસ સાથે સંકળાયેલી કુલ 4 અરજીઓ બોમ્બે હાઈકોર્ટમાં આવી હતી. તેમાં અબ્દુલ રઉફ, રાકેશ ચંચલા પિન્નમ અને રાકેશ ખાઓકરને દોષી ઠેરવવાની વિરૂદ્ધની 3 અરજી હતી. જ્યારે અન્ય અરજી મહારાષ્ટ્ર સરકારે રમેશ તૌરાની સામે હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ વિરુદ્ધ નોંધાવી હતી. મહારાષ્ટ્ર સરકારની અરજી સંદર્ભે તોરાને છોડી દેવામાં આવ્યા હતા. જયારે બાકીની 3 અરજી અંગે બોમ્બે હાઈકોર્ટે આંશિકરૂપે કાર્યવાહી કરી હતી. આ પહેલા સેશન કોર્ટે રફઉને ઉંમર કેદની સજા સંભળાવી હતી. જયારે હાલ બોમ્બે હાઈકોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, અબ્દુલ રઉફ કોઈ પણ જાતની ઉદારતાનો હકદાર નથી. કારણ કે, તે પહેલા પણ પેરોલના બહાને બાંગ્લાદેશ ભાગી ગયો હતો. આવા સંજોગોમાં તેની આજીવન કેદની સજામાં ફેરફાર કરવો યોગ્ય નથી. તેથી આરોપીને આ સજા યથાવત રાખવામાં આવી છે.