અમેરિકાએ એચ-૧બી વિઝા હોલ્ડર્સને સ્પોન્સર કરી તેમના ગ્રાહકોને ડેપ્યુટ કરતી આઇટી સેવા કંપની અને સ્ટાફિંગ કંપની માટે નવી મુસીબત સર્જી છે. જેમાં તેણે એચ-1બી વીઝાના નિયમોમા ફરી ફેરબદલ કર્યા છે. ગત ૧૮૦ દિવસથી જ આ નવા નિયમનો અમલ શરૃ ગણાશે. ૧૪ જુલાઇ પછી અરજી કરી ચુકેલા અરજદારોએ આ જોગવાઇનું પાલન કરવું પડશે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુએસ પ્રમુખની ચૂંટણી પુરી થયા બાદ એચ-૧બી વિઝાના કામદારો માટે મુશ્કેલી સર્જે તેવા કેટલાક નિર્ણયો ફરી શરૃ કરી દીધા હતા. ગત ૧૪ જાન્યુઆરીએ અમેરિકાના આંતરિક સુરક્ષા વિભાગે આ અંગે એક નોટીફિકેશન પણ જારી કર્યું હતુ. જેમાં નવા નિયમોનો ઉલ્લેખ કરાયો હતો. હવે આ નવા ફતવા પ્રમાણે એચ-૧બી વીઝાના હેતુસર નોકરીદાતા અને કામદાર વચ્ચેના સંબંધોની નવી વ્યાખ્યા નક્કી થઈ છે. સરકારના આ નોટીફિકેશન બાદ અમેરિકી શ્રમ વિભાગે તેની નોંધ લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે.
શ્રમ વિભાગની આ ગાઈડલાઈનમાં જણાવ્યા મુજબ હવે એચ-૧બી કામદારને કંપની દ્વારા જ્યાં ડેપ્યુટ કરવામાં આવ્યો હોય તે ગ્રાહક કંપનીએ પણ લેબર કન્ડિશન અરજી તેમજ એચ-૧બી અરજી કરવાની રહેશે. આવા સંજોગોમાં વહીવટી ખર્ચ કે ગ્રાહક કંપનીના માત્ર ખર્ચમાં જ વધારો નહીં થાય, પરંતુ ગ્રાહક અરજદાર કંપનીએ પણ વેતન અને કામના સ્થળના વાતાવરણ જેવા નિયમોનું પાલન કરવું પડશે. માર્ગદર્શિકામાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, વર્તમાનમાં કામદારને ડેપ્યુટ કરતી આઇટી સર્વિસ કંપનીએ જવાબદારી નિભાવવી પડશે. તેથી હવે આઇટી સર્વિસ કંપનીના ગ્રાહકોએ તેનું પાલન કરવું પડશે. અમેરિકાએ એચ-1 બી વીઝાધારકો અંગે લીધેલા આ નિર્ણયની અસર ભારતની આઈટી કપંનીઓ પર પડશે. ન્યૂયોર્ક ખાતે ઇમિગ્રેશન કાયદા કંપનીના સ્થાપક સાયરસ ડી મહેતાએ જણાવ્યું હતું કે પોતાના કાર્યકાળના અંતિમ પડાવમાં ટ્રમ્પ શાસન દ્વારા જાહેર થયેલા નવા નિયમો ભારતના આઇટી ઉદ્યોગ માટે મોટુ નુકસાન કરશે. નવા નિયમો અમેરિકાના કોર્પોરેટ જગત સામે પણ વૈશ્વિક અર્થતંત્રમાં ટકવામાં અવરોધ સર્જશે. આ પહેલ નર્સિંગ, કન્સલ્ટિંગ, ઓડિટ, ઇજનેરી સેવા જેવા ક્ષેત્રમાં થતી થર્ડ પાર્ટી વરણી થતી રહી છે તેવા ક્ષેત્રને પણ માઠી અસર કરી શકે છે.