અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા કરોડો લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકામાં આ પ્રકારના નાગરિકતાનો માર્ગ મોકળો કરાયો છે. તાજેતરમાં બે મહત્વના ખરડાને અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે લીલીઝંડપી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રમુખ બાઇડેને જણાવ્યું હતું કે, દેશની ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાની આવશ્યકતા હતી. આ કાયદાના અમલથી ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ અને ડ્રીમર્સને રાહત આપશે. મારી ઈચ્છા હતી કે, કે ગૃહ આ ખરડાને કોઈપણ મોટા વિવાદ વગર પસાર કરે. મારી સરકાર દેશમાં મોટું યોગદાન આપી રહેલા ડ્રીમર્સ માટે સંસદ સાથે મળીને કામ કરવા માટે કટિબદ્ધ છે. આ ખરડો એચવનબી વિઝા સહિતના નોન ઇમિગ્રન્ટ કામદારોના વિદેશમાં જન્મેલાં સંતાનોને રાહત આપશે.
આ પ્રકારનાં સંતાનો ૨૧ વર્ષના થયા બાદ નાગરિકત્વ માટેની કાયદેસરતા ગુમાવી દે છે. આ ખરડાઓેને અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટમાં મંજૂરી માટે મોકલી આપવા કવાયત હાથ ધરાઈ છે. સેનેટની મંજૂરી બાદ પ્રમુખ બાઇડેન તેના પર હસ્તાક્ષર કરી કાયદો બનાવી શકશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સ્થળાંતર કરીને ગયેલા કૃષિ કામદારો અને એચવનબી વિઝા જેવા પ્રોગ્રામ અંતર્ગત અમેરિકામાં કાયદેસર વસવાટ કરી રહેલા વાલીઓનાં સંતાનોને નાગરિકતા આપવાનો માર્ગ આ ખરડાઓથી મોકળો થઈ જશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ગુરુવારે અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ ઓફ ૨૦૨૧ને ૨૨૮ વિરુદ્ધ ૧૯૭ મતથી પસાર કરાયો હતો. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે ફાર્મ વર્કફોર્સ મોર્ડનાઇઝેશન એક્ટને પણ મંજૂરી આપી છે. આ કાયદો અમેરિકામાં ગેરકાયદે રહેતા કૃષિ કામદાર કે વિદેશી છે તેઓને લિગલ સ્ટેટસ આપશે. અમેરિકામાં પોતાના માતાપિતા સાથે બાળકો તરીકે ગરેકયાદે પ્રવેશેલા વસાહતીઓને ડ્રીમર્સ તરીકે કહેવાય છે. અમેરિકામાં ૧ કરોડ ૧૦ લાખ ગેરકાયદે વસાહતીઓ હોવાનું સરકાર માને છે. આ વસાહતીઓમાં પાંચ લાખથી વધુ ભારતીયોનો સમાવેશ થાય છે.