મેગા ઓક્શન પહેલા અમદાવાદ અને લખનૌની 2 નવી ટીમો 3-3 ખેલાડીઓ ઉમેરી શકશે. 8 જૂની ટીમોએ કુલ 27 ખેલાડીઓને રિટેન કર્યા છે. અમદાવાદે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડમાં ટીમમાં સામેલ કર્યા છે. બીજી તરફ શુભમન ગિલને 7 કરોડ રૂપિયા આપવામાં આવશે.
IPL 2021ની વાત કરીએ તો, પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 11 કરોડ જ્યારે રાશિદને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી 9 કરોડ મળ્યા હતા. આ રીતે પંડ્યાને 4 જ્યારે રાશિદને 6 કરોડનો ફાયદો થયો છે. ગત સિઝનમાં કેકેઆર દ્વારા ગિલને 1.8 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. અમદાવાદે તેને 7 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે. તેમને લગભગ 5 કરોડ રૂપિયાનો નફો પણ થયો છે.
CSK માટે 4 વખત IPL ટાઇટલ જીતનાર એમએસ ધોનીને ટીમે માત્ર 12 કરોડ રૂપિયા આપ્યા છે. રવિન્દ્ર જાડેજાને CSK પાસેથી સૌથી વધુ 16 કરોડ રૂપિયા મળે છે. આ રીતે પંડ્યા અને રાશિદ બંનેએ પગારના મામલે ધોનીને પાછળ છોડી દીધા છે.
વિરાટ કોહલીને RCBએ 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. એટલે કે પગારની બાબતમાં હાર્દિક પંડ્યા કોહલીની બરાબરી પર પહોંચી ગયો છે. પંડ્યા પગારની બાબતમાં મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ જસપ્રિત બુમરાહ, કાયરેલ પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવ કરતાં પણ ઘણો આગળ નીકળી ગયો છે.
મુંબઈએ જસપ્રીત બુમરાહને 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. સૂર્યકુમારને 8 કરોડ જ્યારે પોલાર્ડને 6 કરોડ મળશે. એટલે કે પંડ્યાનો પગાર પોલાર્ડ કરતાં લગભગ અઢી ગણો વધારે છે. મુંબઈએ કેપ્ટન રોહિત શર્માને સૌથી વધુ 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. મુંબઈએ સૌથી વધુ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેને પહેલીવાર 2015માં મુંબઈ ઈન્ડિયન્સે 10 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. એટલે કે 7 વર્ષમાં તેમનો પગાર વધીને 15 કરોડ રૂપિયા થઈ ગયો છે. વર્તમાન સિઝનમાં તેને અમદાવાદની ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે. 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શન યોજાશે