2014માં પાટીદાર આંદોલનને કારણે ગુજરાતના રાજકારણમાં જાણીતો ચહેરો બનેલા હાર્દિક પટેલની મુશ્કેલી વધી રહી છે. સમાજને નામે સંગઠન ઉભુ કરી લડત ચલાવનાર હાર્દિક છેલ્લાં અઢીથી ત્રણ વર્ષથી કોંગ્રેસમાં જોડાયો હતો. 8 મહિનાથી તો તેને ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખનો હોદ્દે પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પટેલને નામે પાટીદાર સમાજમાંથી કોંગ્રેસને કોઈ જ સમર્થન મળ્યું નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો કોંગ્રેસ ખાતુ સુદ્ધા ખોલાવી શકી નથી. સુરતથી જ પાટીદાર આંદોલનની શરૃઆત થતાં 2015માં સુરતમાં કોંગ્રેસે 36 બેઠકો જીતા હતી. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ પાટીદારોના આ આંદોલનની અસર વર્તાતા 31 પૈકી 27 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસે કબજો કર્યો હતો.
આ તમામ પ્રભુત્વ 2021ની ચૂંટણીમાં ગાયબ થઈ ગયું છે. બીજી તરફ પાર્ટીમાં પણ હાર્દિક પટેલનું કોઈ વજૂદ રહ્યું નથી, આવા સંજોગોમાં આગામી દિવસોમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથેથી છેડો ફાડે તેવી ગતિવિધિ ચાલી રહ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આ તખ્તાના ભાગરૂપે જ હવે હાર્દિક પટેલે કોંગ્રેસની નેતાગીરી સામે આક્ષેપો કરવાનું પણ શરૂ કરી દીધું છે. હાલમાં જ હાર્દિકે કહ્યું હતુ કે, કોંગ્રેસના નેતાઓ હાર્દિકને પાર્ટીના કામકાજમાં વેતરી રહ્યા છે. કોંગ્રેસની નેતાગીરી સંગઠન માટે બેઠક સુદ્ધા યોજતી નથી. હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતુ કે, કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ સુરતમાં સભા કરવા માટે મને છેલ્લી ઘડીએ સૂચના આપી હતી, જોકે પહેલેથી જ બીજી જગ્યાએ કાર્યક્રમ નિર્ધારિત હતો. પ્રદેશ નેતાગીરીએ પહેલાંથી જ કહ્યું હોત તો સુરતમાં ૨૫ રેલી યોજીને પાર્ટીને વધુ મજબૂત કરી શકાય હોત.