ગુજરાતમાં બેરોજગારો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી. પરીક્ષા લેવામાં આવે ત્યાં પેપર ફૂટી જાય છે, ફિક્સ પગાર અને કૉન્ટ્રેક્ટના કર્મચારીઓનું સતત શોષણ થઈ રહ્યું છે, આવા તમામ મુદ્દાઓને લઈને ગુજરાત યુવા કૉંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે ‘યુવા સ્વાભિમાન સંમેલન’ અંતર્ગત ‘હલ્લા બોલ’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી, મનીષ દોશી સહિતના અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે
ગુજરાત કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોરે ટ્વીટ કરતાં લખ્યું છે કે યુવા કૉંગ્રેસ દ્વારા આયોજિત યુવા સ્વાભિમાન રેલીની મંજૂરી આપી નથી તેમજ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર એકઠા થયેલા યુવાનોને ડર્યા વગર ભાજપની તાનાશાહી સરકાર સામે લડવા કહ્યું હતું. હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના યુવાનો સરકારથી ડરતા નથી. યુથ કોંગ્રેસની જાહેરસભાને મંજુરી આપવામાં આવી ન હતી, છતાં હજારો યુવાનો ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યારે પણ સરકાર ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. મારી સાથે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસ અને જીગ્નેશ મેવાણીની પણ ધરપકડ કરવામાં આવી છે.