સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાતે અક્ષરધામ નિવાસી થયા હતા. આ ઘટના સાથે જ દેશ વિદેશા લાખો ભક્તો ગમગીન થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ સ્વામીજીના અંતિમ દર્શન માટે ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાંથી હજારો ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા હતા. મંદિરની બહાર અનેક ભક્તોની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધનથી ગુજરાતે મોટા ગજાના સંત પણ ગુમાવ્યા છે. એક હરિભક્ત મહિલાએ કહ્યુ હતુ કે, હરિપ્રસાદ સ્વામી અમારા માતાપિતા કરતા સવાયા હતા. તેઓ અમારા માટે ભગવાન જેવા હતા. હવે અમને તેમના અંતિમ દર્શનની ઈચ્છા છે.
બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે આ સમાચાર બાદ કહ્યું હતુ કે, અમારુ વડોદરા સંતોનો ખજાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજ, દાદા ભગવાન, કેવલાનંદજી મહારાજ, સાવલીવાલા સ્વામી અને હરિપ્રસાદ સ્વામી જેવા સંતોએ સમાજ અને ધર્મ માટે આપેલા યોગદાનને ભૂલી શકાય તેમ નથી. આજે લાખો ભક્તોને મૂકીને પાંચેય સંતો પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે. આ ઉપરાંત સાંસદ રંજન ભટ્ટે કહ્યું હતુ કે, હરિપ્રસાદના નિધનના સમાચાર દેશ અને વિદેશના લાખો ભક્તો માટે અત્યંત દુખદ છે. હું તેમના આશ્રમ સાથે જોડાયેલી છું. તેઓ શ્રીજીચરણ થયા હોય, પરમાત્મા તેમના આત્માને શાંતિ આપી પોતાની શરણમાં રાખે તેવી પ્રાર્થના છે. સ્વામીજીએ યુવાનોને સંસ્કાર આપવાનુ કામ કર્યું છે. ત્યા મહિલા ભક્તોને પિયરપણુ લાગે તેવુ સંકુલ તેમણે બનાવ્યુ હતું. તેમના નિધન બાદ પડનારી ખોટ પુરી શકાય તેમ નથી.